સુરત શહેરમાંથી એક સગીરાના અપરહણ અને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મોહમમદ રજાઉલ નામનો ઈસમ એક બાંધકામ સાઈટ પરથી 12 વર્ષીય સગીરાને ઉપાડીને લઇ ગયો હતો અને મહારાષ્ટ્રના પુણે લઇ જઈને ત્યાં બે વખત બળાત્કાર કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ પોલીસે બંનેને પકડી પાડીને પીડિતાના નિવેદન અને તેના પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
16 મેના રોજ લલચાવી-ફોસલાવીને ભગાડી લઇ ગયો હતો
સુરત વેસુ વિસ્તારમાં એક ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે. આરોપી રજાઉલ પણ આ જ સાઈટ પર કામ કરતો હતો. થોડા દિવસ પહેલાં તેણે ત્યાં જ રહેતા એક શ્રમિક પરિવારની સગીરા પર નજર બગાડી હતી અને તેને લલચાવી-ફોસલાવીને ભગાડી લઇ ગયો હતો.
16 મેના રોજ અચાનક સગીરા ગુમ થઇ જતાં તેના પરિવારે શોધખોળ આદરી હતી પરંતુ કલાકોની મહેનત બાદ પણ કોઈ પત્તો મળ્યો ન હતો. દરમ્યાન નજીકમાં જ રહેતો મોહમ્મદ રજાઉલ પણ ગાયબ હોવાનું જણાતાં શંકા ગઈ હતી. તપાસ કરતાં તે પુણે ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
પુણેથી બંનેને પકડી લાવી પોલીસ
પોલીસે આરોપી જેની સાથે કામ કરતો હતો તે કોન્ટ્રાક્ટર પાસેથી પુણેના કોન્ટ્રાક્ટરનો નંબર મેળવીને ત્યાં તપાસ કરી હતી. જ્યાં આરોપી અને સગીરા હોવાની પુષ્ટિ થયા બાદ સુરત પોલીસની એક ટીમ પુણે પહોંચી હતી અને બંનેને પકડી પાડ્યાં હતાં. જ્યાંથી સુરત પરત લાવવામાં આવ્યાં હતાં.
સગીરાને સુરત પરત લાવવામાં આવ્યા બાદ તેની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બે વખત બળાત્કાર થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેના પિતાએ પોલીસને ફરિયાદ આપતાં પોલીસે તેના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ્સ અનુસાર, આરોપી મૂળ બિહારનો વતની છે અને સુરતમાં માતા-પિતા સાથે રહે છે. તેની સામે FIR દાખલ કરવામાં આવ્યા બાદ સુરત પોલીસે કાયદેસર રીતે ધરપકડ કરી લીધી હતી. હાલ આ કેસની આગળની તપાસ ચાલી રહી છે તેમ જાણવા મળ્યું છે.