બે દિવસ પહેલાં સુરત શહેરના રાંદેરમાં એક રિક્ષાચાલકે 8 વર્ષીય સગીરાને બળજબરીથી રિક્ષામાં બેસાડી લઈ જઈને અવાવરુ જગ્યાએ લઈ જઈને અડપલાં કર્યાં હતાં. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં આજે પોલીસે ઉજેફા મોહમ્મદ રફીક બટલર નામના એક શખ્સની ધરપકડ કરી લીધી છે તેમજ તેની રિક્ષા પણ જપ્ત કરી લેવામાં આવી છે.
નાનકડી દિકરીનું અપહરણ કરી ઓટોરિક્ષામાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ શારીરિક અડપલાં કરી વિકૃત હરકતો કરનાર રીક્ષા ચાલક આરોપી ઉજેફા મોહમદ રફીક બટલરને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડતી સુરત શહેર રાંદેર પોલીસ.#સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે
— Surat City Police (@CP_SuratCity) June 23, 2023
.
.
.#surat #safesurat #suratcitypolice pic.twitter.com/C5shkdWMxc
સગીરા સાંજે ટ્યુશન ક્લાસીસથી પરત ફરી રહી હતી ત્યારે ઉજેફાએ તેને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી દીધી હતી અને તેને અલગ-અલગ વિસ્તારોમાં ફેરવી અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં શારીરિક અડપલાં કરી વિકૃત હરકતો કરી હતી. ત્યારબાદ તે એક જગ્યાએ છોડીને ચાલ્યો ગયો હતો. ગભરાઈ ગયેલી પીડિત સગીરાએ ઘરે આવીને પરિજનોને જાણ કર્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ઉજેફાએ મોટા અવાજે ‘ચાલ, બેસી જા..’ કહેતાં સગીરા ગભરાઈ ગઈ હતી
સગીરાના પિતાએ રાંદેર પોલીસ મથકને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પીડિતા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને 21 જૂન, 2023 (બુધવાર)ના રોજ સાંજે 6 વાગ્યે ટ્યુશન ક્લાસીસમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. રિક્ષાચાલક ઉજેફાએ તેને મોટા અવાજે ‘ચાલ બેસી, જા..’ કહેતાં સગીરા ગભરાઈ ગઈ હતી અને રિક્ષામાં બેસી ગઈ હતી.
સગીરાને અડપલાં કરવા મામલે પોક્સો અને IPCની કલમો હેઠળ કેસ દાખલ કર્યા બાદ સુરત પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાના શરૂ કર્યા હતા. જેમાંથી આરોપી ઉજેફા બટલરને ઓળખી કાઢવામાં આવ્યો હતો. શુક્રવારે તેને દબોચી લેવામાં આવ્યો હતો તેમજ પોલીસે તેની રિક્ષા પણ જપ્ત કરી લીધી છે.
શહેરમાં એકલી ફરતી સગીરાઓને નિશાન બનાવતો ઉજેફા, અગાઉ પણ ગુના નોંધાયા હતા
પોલીસે જણાવ્યું કે, આરોપી ઉજેફા બટલરની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તે શહેરના જુદા-જુદા વિસ્તારમાં એકલી ફરતી સગીરાઓ/બાળકીઓને નિશાન બનાવતો હતો અને તેમને લલચાવી-ફોસલાવીને રિક્ષામાં બેસાડી લઇ જઈને નગરની અવાવરુ જગ્યાએ લઇ જઈને વિકૃત હરકતો કરતો. તેની સામે વર્ષ 2019માં પણ આ જ પ્રકારનો છેડતીનો એક કેસ નોંધાયો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. તેની ધરપકડ કરીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પોલીસે લોકોને એવી પણ અપીલ કરી હતી કે આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે.