સુરત સ્થિત સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સુરત લિટ ફેસ્ટ 2024’નો શુક્રવાર (22 ડિસેમ્બર)થી પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં 40થી વધુ વક્તાઓ ભાગ લેશે અને વિવિધ વિષયો પર ચર્ચા કરશે.
22 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ચાલનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં શિક્ષણ, વિદેશ નીતિ, આંતરિક સુરક્ષા, કટ્ટરતા, મહિલા સશક્તિકરણ, ન્યાયિક સુધારા, રાજકારણ, મીડિયા, સિનેમા વગેરે વિષયો પર જે-તે ક્ષેત્રના નિષ્ણાતો ચર્ચા કરશે. કાર્યક્રમ સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજાઈ રહ્યો છે.
કાર્યક્રમમાં વિવિધ વિષયના તજજ્ઞો-નિષ્ણાતો, પત્રકારો જેમકે સદગુરુ રીતેશ્વરજી, રામ માધવ, એડવોકેટ વિષ્ણુ શંકર જૈન, ઑપઇન્ડિયાનાં એડિટર ઇન ચીફ નૂપુર શર્મા, રૂબિકા લિયાકત, સુમિત અવસ્થી, અજિત ભારતી, સ્વાતિ ગોયલ શર્મા, અભિજિત ઐયર મિત્રા, સુબુહી ખાન, નીરજ અત્રી, શેહલા રાશીદ, મધુ કિશ્વર, દીપિકા ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહેશે.
Wish to see this Galaxy of Stars Live in Surat ?
— Surat Literary Foundation (SLF) (@srtlitfest) December 16, 2023
register for the upcoming #Suratlitfest2024
Surat Literary Foundation pic.twitter.com/DQqzadMLP6
ફાઉન્ડેશનની અખબારી યાદી જણાવે છે કે, ત્રણ દિવસીય જ્ઞાનમંથન કાર્યક્રમમાં વિવિધ 11 વિષયો પર ચર્ચા કરવામાં આવશે અને દેશ-વિદેશના પ્રબુદ્ધ વિશેષજ્ઞ, નીતિ નિર્ધારક, રાજકારણીઓ, ધર્મગુરુઓ અને વિશ્લેષકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. દેશભરમાંથી 40થી વધુ વક્તા ભાગ લેવા જઈ રહ્યા છે. ઉપરાંત, ચર્ચા-વિચાર સાથે જ ગત વર્ષની જેમ સંસ્કૃતિ અને કળાનો પણ સમાગમ જોવા મળશે અને જેમાં લોકનૃત્ય, સાંગીર, ગાયન, લોકકળાનું પ્રદર્શન વગેરેનું પણ આયોજન કરવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી રાત્રિ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના તમામ ભાગોમાંથી લોકકલાકારો પ્રસ્તુતિ આપશે. આ કાર્યક્રમોમાં અમુક પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે. ગત જાન્યુઆરીમાં ત્રણ દિવસ માટે લિટ ફેસ્ટ 2023 યોજવામાં આવ્યો હતો, જેમાં પણ દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 13 સૂત્રોમાં વિદેશ નીતિ, શિક્ષણ, ન્યાયિક સુધારા, સિનેમા, મીડિયા સહિતના વિષયો પર ચર્ચા થઈ હતી.
આ સિવાય આ જ વર્ષે સપ્ટેમ્બરમાં ‘આરંભ 2024’ નામક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પણ 25થી વધુ વક્તાઓએ ભાગ લીધો હતો. જેમાં ભારતીય અર્થવ્યવસ્થા, રાજકારણ, મણિપુરની સ્થિતિ, દેશની આંતરિક સુરક્ષા અને પડકારો, મીડિયા અને પત્રકારત્વ સહિતના વિષયો પર વિવિધ વિષયના તજજ્ઞોએ ચર્ચા કરી હતી. હવે સુરતના આંગણે વધુ એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.