2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આપેલા એક નિવેદનને લઈને તેમની સામે સુરતની કોર્ટમાં (Surat Court) બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઇ ગઈ છે અને હવે આગામી 23 માર્ચે કોર્ટ ચુકાદો આપશે તેવી સંભાવના છે.
13 એપ્રિલ, 2019ના દિવસે કર્ણાટકમાં એક રેલીમાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? એ પછી નિરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી.” આ નિવેદન બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો હતો.
ઘણા સમયથી આ કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો છે અને હવે અંતિમ પડાવ તરફ છે. શુક્રવારે (17 માર્ચ, 2023) ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ. એચ વર્માએ કેસમાં અંતિમ દલીલો સાંભળી હતી અને હવે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઇ જતાં કેસમાં 23 માર્ચે ચુકાદો આવી શકે છે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
રાહુલ ગાંધી તરફથી વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ 23 માર્ચે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર રહેવા માટે રાહુલ ગાંધીને સંદેશ મોકલશે અને શક્યતા છે કે તેઓ કોર્ટમાં હાજર રહેશે.
રાહુલ ગાંધીના પક્ષે વકીલે દલીલ કરી હતી કે, તેઓ (રાહુલ) ભારતના તમામ નાગરિકોને જ્ઞાતિ-સમાજના ભેદભાવ વગર પ્રેમ કરે છે અને ક્યારેય કોઈ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ વિધાન કરવાનું વિચારી ન શકે. તેમણે શબ્દોનું અવળું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું કહીને તેમને નિર્દોષ છોડી મૂકવાની માંગ કરી હતી.
બચાવ પક્ષ તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે મોદી નામનો કોઈ સમાજ નથી અને ફરિયાદી દ્વારા સુરત મોઢવણિક સમાજને મોદી સમાજ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. એમ પણ કહેવામાં આવ્યું કે કોઈ પણ રાજકીય પાર્ટી ચૂંટણી સમયે 13 કરોડ લોકોના સમાજ વિરુદ્ધ બોલી શકે નહીં અને રાહુલ ગાંધીનું નિવેદન માત્ર નરેન્દ્ર મોદી, નિરવ મોદી અને લલિત મોદીની ‘મોદી’ અટકને લઈને હતું.
સામે તરફે અંતિમ દલીલો રજૂ કરતાં પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાળાએ અગાઉના કિસ્સાઓ ટાંકીને કહ્યું હતું કે, રાહુલ ગાંધીને જાહેર સભાઓમાં અપમાનજનક નિવેદનો આપવાની આદત છે અને તેમને આમ કરતા રોકવા માટે કશુંક પગલાં લેવાં જરૂરી છે. તેમણે 28 ફેબ્રુઆરીના રોજ દલીલ પૂર્ણ કરી હતી. હવે બચાવ પક્ષની પણ દલીલ પૂર્ણ થઇ જતાં આગામી 23 માર્ચે સુરતની કોર્ટ ચુકાદો આપશે તેમ અહેવાલો જણાવી રહ્યા છે.