સુપ્રીમ કોર્ટે બુધવારે (16 ઓગષ્ટ, 2023) મથુરામાં આવેલ શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસેના અતિક્રમણ હટાવવાની પ્રક્રિયાને 10 દિવસ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને રેલવેને નોટિસ પાઠવી છે. જસ્ટિસ અનિરુદ્ધ બોસ, સંજય કુમાર અને SVN ભારતીએ આ મામલે ત્યાંના રહેવાસીઓને રાહત આપી હતી. વરિષ્ઠ વકીલ પ્રશાંતો ચંદ્ર સેને વિવાદિત જમીન પર રહેતા લોકોનો પક્ષ રાખ્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ એક સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરશે.
મળતી માહિતી મુજબ, તેમણે દલીલ કરી હતી કે જો આવી જ રીતે ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહેશે તો તેમણે કરેલી અરજીનું કોઈ મહત્વ નહીં રહે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, જયારે તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ત્યારે ઉત્તરપ્રદેશની તમામ કોર્ટ બંધ હતી. આ અંગે તેમણે આરોપ લગાવ્યો કે આ રીતે પ્રશાસને ફાયદો ઉઠાવી 100થી વધુ મકાનો તોડી પાડ્યાં છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ મસ્જિદ નજીકના ગેરકાયદે વસાહતોમાં કુલ 200 ઘર હોવાનું તેમણે જણાવ્યું છે, જેમાંથી હવે માત્ર 70-80 ઘરો બચ્યાં છે.
Krishna Janmabhoomi Trust plea in Supreme Court, seeking a Gyanvapi complex-like scientific survey of the historic Shahi Idgah mosque premises in Mathura. #KrishnaJanmabhoomi #SupremeCourt #ScientificSurvey
— Republic (@republic) August 16, 2023
WATCH #LIVE here- https://t.co/5C8MAHsMNQ pic.twitter.com/dWdDyrHkY4
અરજદારે દાવો કર્યો હતો કે, ડિમોલિશન પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો અરજી નકામી બનશે. અરજદારની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરતાં કેન્દ્ર સરકારના વકીલ પાસે ઓન રેકોર્ડ જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસેના પ્રભાવિત વિસ્તારમાં આગામી 10 દિવસ સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે 10 દિવસ બાદ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ મામલે વધારાનું સોગંદનામું દાખલ કરવાની પણ છૂટ આપી છે. આ સાથે કોર્ટે સાંકેતિક રીતે સ્પષ્ટ કર્યું હતું કે, આગામી સમયમાં આ મામલાને ઉકેલ હેતુ સ્થાનિક કોર્ટને સોંપવામાં આવશે, જ્યાં અરજદારોની મિલકતોના અન્ય વિવાદો પણ પેન્ડિંગ છે.
‘નઈ બસ્તી’ માં શરૂ થ્યું હતું ડિમોલિશન
આ સમગ્ર અભિયાનની શરૂઆત 9મી ઓગષ્ટે મથુરાની ‘નઈ બસ્તી’માં ડિમોલિશન દ્વારા કરાયું હતું. ત્યારબાદ રેલવેએ તે ગેરકાયદેસર દબાણ હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ અતિક્રમણ હટાવાયા બાદ મથુરાથી વૃંદાવન સુધીના 21 કિમીના અંતરની રેલ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તિત કરી શકાશે. જેથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ જેવી ટ્રેનની સફર પણ શક્ય બની શકે છે.
નોંધનીય છે કે, અતિક્રમણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ આ અંગે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ સમય દરમિયાન ઉત્તરપ્રદેશમાં એક વકીલની હત્યા થતાં દરેક વકીલો હડતાલ પર ઉતરી આવ્યા હતા. તેના કારણે આ ઘટના અંગે વધુ સુનાવણી થઇ શકી ન હતી. જેથી આ બાબતે ત્યાંના રહેવાસી યાકુબ શાહે અરજી કરી હતી. આ અરજી અંગે ત્વરીત સુનાવણીની માંગ પર મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડે 16મી ઓગષ્ટે સુનાવણી કરવા આદેશ આપ્યો હતો.