દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને કોર્ટે ફરી ફટકાર લગાવી છે. મામલો રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોજેક્ટને લગતો છે. કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ આ પ્રોજેક્ટ માટે ફંડ પૂરું પાડી શકે તેમ નથી. જેને લઈને કોર્ટે ઝાટકણી કાઢીને છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગતો માંગી છે.
દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાંસિટ સિસ્ટમ એ એક સેમી-હાઈસ્પીડ રેલ કોરિડોર છે જે હાલ નિર્માણાધીન છે. આ કોરિડોર દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠને એકબીજા સાથે જોડશે. આ 82.15 કિલોમીટરના કોરિડોરના નિર્માણમાં કુલ 31 હજાર કરોડનો ખર્ચ થનાર છે. આ માટે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારે તેમના હિસ્સાનું ભંડોળ આપી દીધું છે પરંતુ દિલ્હી સરકાર તેમ કરી શકી નથી.
આ મામલો કોર્ટમાં પહોંચતાં ગત 21 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને 10 દિવસમાં 500 કરોડ રૂપિયા આ પ્રોજેક્ટમાં ફંડ તરીકે જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો. દિલ્હી સરકારે તાજેતરમાં આ રૂપિયા જમા કરાવ્યા હતા. જેની સાથે દિલ્હી સરકારે 1180 કરોડમાંથી 765 કરોડ આપી દીધા છે. પરંતુ આજે (3 જુલાઈ, 2023) કેજરીવાલ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે હવે તેઓ આ પ્રોજેક્ટ માટે વધુ ફંડ આપી શકે તેમ નથી.
Delhi NCR Rapid Rail
— Bar & Bench (@barandbench) July 3, 2023
Before Supreme Court bench led by Justice Sanjay Kaul, Delhi govt expresses inability to provide funds for the project.
Bench directs it to place on record detailed account of its spending on advertisements of the project in the last three financial years.… pic.twitter.com/cp3L85SImJ
કોર્ટે પૂછતાં સરકારના વકીલે જણાવ્યું હતું કે, તેમની પાસે ભંડોળ નથી અને ન આપવાનો નિર્ણય કેબિનેટનો છે. જેથી ન્યાયાધીશે ટિપ્પણી કરતાં ઉમેર્યું કે. “તો અમને એ તપાસવા દો કે તમે ભંડોળનો ઉપયોગ ક્યાં કરો છો? અમે એમ કહીએ કે જાહેરાતો માટે વપરાતું ભંડોળ ડાયવર્ટ કરી દેવામાં આવે…તમે ઇચ્છશો કે એ પ્રકારનો આદેશ આપવામાં આવે?” જેના જવાબમાં કેજરીવાલ સરકાર તરફથી વકીલે દલીલ કરતાં કહ્યું કે, “વર્ષ 2020માં અમે કહ્યું હતું કે અમારી પાસે ભંડોળ નથી. કોરોનાના કારણે સ્થિતિ વધુ બગડી હતી.” તેમણે કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળતાં એવો પણ દાવો કર્યો કે કેન્દ્ર સરકાર દ્વારા જે GSTનું વળતર આપવામાં આવે છે તે પણ એક વર્ષથી અપાય રહ્યું નથી, જેથી તેમની પાસે પૈસા નથી.
સુપ્રીમ કોર્ટે અગત્યની ટિપ્પણી કરતાં કેજરીવાલ સરકારને પૂછ્યું હતું કે, “જો તમારી પાસે જાહેરાતો આપવા માટેના પૈસા હોય તો પછી પરિવહન સરળ કરતા પ્રોજેક્ટ માટે કેમ નથી? અમે એ જાણવા માંગીએ છીએ કે તમે અન્ય બાબતોમાં કેટલો ખર્ચ કર્યો છે? આ એક વિકાસનું કામ છે. નાણાકીય બાબતો રાજ્ય સરકારનું કામ છે, પરંતુ જ્યારે તમે આવા પ્રોજેક્ટ માટે કહો કે અમારી પાસે પૈસા નથી તો કોર્ટ જાણવા માંગે છે કે જાહેરાતો વગેરે ઉપર તમે કેટલો ખર્ચ કર્યો છે.” કોર્ટે સરકારને છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષોમાં આ પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ કર્યો તેની વિગતો જમા કરાવવા માટે કહ્યું છે.