પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMC નેતા શાહજહાં શેખના આતંકનો તાજેતરમાં જ પર્દાફાશ થયો હતો. જ્યારે એક પછી એક અનેક મહિલાઓએ જાહેરમાં એવો આક્ષેપ કર્યો હતો કે શાહજહાં શેખના સાગરિતો યુવતીઓનું અપહરણ કરે છે અને તેના પર બળાત્કાર ગુજારે છે. આ પછી ‘નેશનલ કમિશન ફોર વુમન’ (NCW)ની ટીમ પણ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે CBI અને SIT દ્વારા સંદેશખાલી મામલાની તપાસ કરાવવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે (19 ફેબ્રુઆરી, 2024) આ અરજી પરત કરી હતી. જોકે, જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ જ્યોર્જ મસીહની બેંચે અરજદારને આ માટે કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી છે. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલી કેસ પર પહેલાથી જ સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટને પણ SITની રચના કરવાનો અધિકાર છે, એક જ કેસની બે મંચો પર સુનાવણી કરવી યોગ્ય નથી.
13 ફેબ્રુઆરીએ જ હાઈકોર્ટે અખબારના અહેવાલોના આધારે સ્વતઃ સંજ્ઞાન લઈને સુનાવણી શરૂ કરી હતી. વર્તમાન અરજી એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, પોલીસ પણ પશ્ચિમ બંગાળ સરકાર સાથે મિલીભગતમાં છે અને TMC નેતા શાહજહાં શેખ સાથેની મિલીભગતને કારણે તેની ફરજોમાં બેદરકારી દાખવે છે. તેમણે કહ્યું કે, મોટાભાગની પીડિતો SC/ST સમાજની છે. જ્યારે તેમણે મણિપુર મુદ્દા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની યાદ અપાવી, ત્યારે ન્યાયાધીશોએ કહ્યું કે તે એક અલગ મુદ્દો છે અને તે હજુ પણ ચાલુ છે. જોકે, સુપ્રીમ કોર્ટે સંદેશખાલી મામલે CBI તપાસ કરવાની અરજી પર સુનાવણી કરી નહોતી.
બીજી તરફ NCW પ્રમુખ રેખા શર્માએ વિસ્તારમાં પહોંચીને પીડિત મહિલાઓને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું કે, અનેક યુવતીઓ સાથે યૌન શોષણ થયું છે, તેમણે પોતે બળાત્કારના 2 કેસ સાંભળ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, બંગાળ પોલીસ અને સમાજના કારણે મહિલાઓ ડરી રહી છે. રેખા શર્મા અનુસાર, મહિલાઓ તેમને પકડીને રડી રહી હતી અને તેમને છોડી રહી ન હતી. ઘણી યુવતીઓને ત્યાંથી બહાર મોકલી દેવામાં આવી છે, એ ડરથી કે તેમની સાથે પણ કાંઈ થઈ ના જાય. રેખા શર્મા અનેક પીડિતો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
નોંધવું જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ વિરોધ-પ્રદર્શન કરી રહી છે અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડની માંગ કરી રહી છે. મહિલાઓનો આરોપ છે કે ઘણા સમયથી તેમનું શોષણ કરવામાં આવતું હતું. તેમનું વિરોધ પ્રદર્શન પછીથી ઉગ્ર બનતાં હિંસા પણ થઈ હતી. અનેક મહિલાઓ પછીથી સામે પણ આવી અને જણાવ્યું કે કઈ રીતે તેમનું શોષણ કરવામાં આવતું રહ્યું.