દર વર્ષની જેમ આ વખતે પણ દિલ્હીના લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ છે અને બાકીના મંત્રીઓ અડધો સમય પ્રેસ કૉન્ફરન્સ કરીને પાડોશી રાજ્યોને દોષ આપવામાં જ વ્યસ્ત રહે છે. આ બધા વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં કોર્ટે પણ દિલ્હી સરકારને ફટકાર લગાવી. કોર્ટે પૂછ્યું કે દિલ્હીની કેજરીવાલ સરકાર આખરે શા માટે ટેન્કર માફિયાઓ સામે પગલાં નથી લઇ રહી? સાથે એમ પણ કહ્યું કે જો તેઓ સ્થિતિ સંભાળી શકતા ન હોય તો કોર્ટ દિલ્હી પોલીસને આદેશ આપશે.
મામલો દિલ્હી સરકારની એક અરજી પર આધારિત છે. જેમાં રજૂઆત કરવામાં આવે હતી કે હિમાચલ પ્રદેશથી આવતા પાણીના પુરવઠાને દિલ્હી તરફ મોકલવા માટે હરિયાણા સરકારને નિર્દેશો આપવામાં આવે. દિલ્હી સરકારે હીટવેવ અને સંભવિત ઇમરજન્સીને જોતાં આ વધારાના પાણી પુરવઠાની માંગ કરી હતી. આ મામલે ગત 6 જૂનના રોજ કોર્ટે હિમાચલ સરકારને પાણી છોડવા માટે આદેશ કર્યો હતો અને હરિયાણા સરકારને પણ આદેશ અપાયા હતા. નોંધવું જોઈએ કે પાણી દિલ્હી પહોંચવા પહેલાં હરિયાણાની કેનાલમાંથી પસાર થાય છે.
બુધવારની (12 જૂન) સુનાવણીમાં કોર્ટે નોંધ્યું કે હિમાચલ પ્રદેશ સરકારે દિલ્હી તરફ પાણી મોકલી આપ્યું હતું, પણ દિલ્હીમાં પુરવઠો પૂરતો પહોંચ્યો નથી. કોર્ટે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે વૉટર ટેન્કર માફિયાઓના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવી જોઈએ અને દર ઉનાળામાં આવી સમસ્યાઓ આવે જ છે.
Justice Mishra: Why was false statements made before this court? Water is coming from HP then where is the water going in Delhi? There is so much spillage, tanker mafias etc.. what measures have you taken in this regard. In Delhi tanker mafias work. Have you taken any action. If…
— Bar and Bench (@barandbench) June 12, 2024
કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, “કોર્ટ સમક્ષ ખોટાં નિવેદનો કેમ આપવામાં આવી રહ્યાં છે? હિમાચલ પ્રદેશથી પાણી આવી રહ્યું છે, તો દિલ્હીમાં પાણી ક્યાં જાય? પાણીનો બગાડ થઈ રહ્યો છે અને ટેન્કર માફિયાઓ પણ સક્રિય છે. (દિલ્હી સરકારને પ્રશ્ન કરતાં) તમે આ મામલે શું કર્યું? દિલ્હીમાં ટેન્કર માફિયાઓ છે. તમે કોઇ પગલાં લીધાં? તમે પગલાં ન લઇ શકતા હો તો અમે ટેન્કર માફિયાઓ સામે એક્શન લેવા માટે દિલ્હી પોલીસને કહીશું. તમે તમામ ચેનલો પર જોઈ રહ્યા છીએ, તમે આ મામલે કશું જ કરી રહ્યા નથી. દર ઉનાળામાં આવી સમસ્યા આવે છે. આ બધા સ્રોતમાંથી મળતા પાણીનો બગાડ અટકાવવા માટે તમે કશું કર્યું છે? તમે ટેન્કર માફિયાઓ સામે કોઇ પગલાં લીધાં કે FIR કરી છે? ટેન્કર માફિયાઓને પાણી મળી જાય છે અને પાઈપલાઈનો સૂકી જ રહી જાય છે.”
જોકે, દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં હાજર અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું કે, ટેન્કરો દિલ્હી જલ બોર્ડનાં જ છે અને આ દિશામાં સરકાર યોગ્ય પગલાં લઇ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ આ મામલે રિપોર્ટ પણ ફાઇલ કરશે. ત્યારબાદ કોર્ટે તેમને પાણીનો બગાડ અટકાવવા માટે શું પગલાં લેવાયાં તે જણાવતો એક રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું હતું. આ મામલે ગુરુવારે (13 જૂન) ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.