સુપ્રીમ કોર્ટે હિજાબ વિવાદ કેસમાં મુસ્લિમ અરજદારોનો ચાલુ કોર્ટે ઉધડો લીધો હતો તો સાથે જ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધના મામલે કર્ણાટક સરકારને નોટિસ પણ ફટકારી છે. આજે સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી મોકૂફ રાખવાની અરજી પર મુસ્લિમ અરજદારોનો ચાલુ કોર્ટે ઉધડો લઇ લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે “પહેલાં તમે વહેલી સુનાવણીની માંગ કરી રહ્યા હતા. હવે સુનાવણી મુલતવી રાખવા માંગ કરી રહ્યા છો. અમે અરજદારોને આ રીતે તેમની પસંદગીની બેન્ચ પસંદ કરવાની મંજૂરી આપીશું નહીં.”
#BREAKING [Hijab Ban] “Will not permit forum shopping”: Supreme Court rejects request by petitioners for adjournment; issues notice
— Bar & Bench (@barandbench) August 29, 2022
report by @DebayonRoy
Read story: https://t.co/R9DyZzTGOi pic.twitter.com/dijAA8MJbe
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને SCમાં પડકારવામાં આવ્યો
મુસ્લિમ અરજદારોએ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે મુસ્લિમ મહિલાઓ માટે હિજાબ પહેરવું એ ઈસ્લામનો ફરજિયાત નિયમ નથી અને રાજ્યનો શાળા અને કોલેજોમાં યુનિફોર્મના નિયમને પાળવાનો આદેશ સાચો છે. આ સિવાય કેટલાક અરજદારોએ મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવાના અધિકારને લઈને સીધો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
કોર્ટે અરજદારોને ફટકાર લગાવી
આજે સુનાવણી દરમિયાન, કેટલાક મુસ્લિમ અરજદારો વતી હાજર રહેલા વકીલે આ બાબતની સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી હતી. દરમિયાન જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચે ચાલુ કોર્ટે તેમની અરજી ફગાવતા કહ્યું કે અગાઉ અરજદારો વહેલી સુનાવણીની માંગ કરતા હતા અને હવે મુલતવી રાખવાની માંગ કરવામાં આવી રહી છે. કોર્ટ આ પ્રકારની ‘ફોરમ શોપિંગ‘ને (પોતાની પસંદગીની બેંચ પસંદ કરવાની) મંજૂરી આપવાનું કામ નથી કરતી.
કોર્ટે નોટિસ ફટકારી
સુનાવણી દરમિયાન સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. તેમણે સુનાવણી મુલતવી રાખવાની વિનંતી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. એસજી મહેતાએ કહ્યું કે આ પહેલા ઓછામાં ઓછા 6 વખત અરજદારોએ સુનાવણી મોકૂફ રાખવાની અરજી કરી છે. તેના પર અરજદારના વકીલે કહ્યું કે તે સમયે પરીક્ષાઓ થવાની હતી. તેથી અરજદારો વહેલી સુનાવણીની માંગ કરી રહ્યા હતા.
સુનાવણી દરમિયાન વકીલે એમ પણ કહ્યું કે આ કેસમાં અરજદારો દેશના અલગ-અલગ ભાગોના છે. કેટલાક કર્ણાટકના પણ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્ણાટકથી માત્ર અઢી કલાકમાં દિલ્હી આવી શકાય છે. જો કે, એસજી તુષાર મહેતાએ કોર્ટને આ મામલે નોટિસ જારી કરવા વિનંતી કરી જેથી આ મામલાનો તાત્કાલિક નિકાલ આવે. જેના પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. આ મામલાની આગામી સુનાવણી સોમવારે 5 સપ્ટેમ્બરે થશે.
કર્ણાટક હિજાબ વિવાદ
કર્ણાટકમાં આ વર્ષની શરૂઆતમાં હિજાબને લઈને વિવાદ શરૂ થયો હતો. જેમાં કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ યુનિફોર્મની જગ્યાએ હિજાબ પહેરીને આવતાં વર્ગખંડમાં બેસવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જે બાદ આ વિવાદ વધુ ચગ્યો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા નોટીસ ફટકારાયા બાદ હવે આ મામલાની આગામી સુનાવણી સોમવારે 5 સપ્ટેમ્બરે થશે.