Friday, February 28, 2025
More
    હોમપેજદેશસુપ્રીમ કોર્ટ તરફથી સદગુરુના ઇશા ફાઉન્ડેશનને મોટી રાહત, તમિલનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની...

    સુપ્રીમ કોર્ટ તરફથી સદગુરુના ઇશા ફાઉન્ડેશનને મોટી રાહત, તમિલનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની નોટિસ રદ કરવાનો મદ્રાસ હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો- વાંચો શું હતો કેસ

    જસ્ટિસ સૂર્યકાંત અને એનકે સિંઘની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. કોર્ટે TNPCBની અરજી ફગાવીને મદ્રાસ હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો. 

    - Advertisement -

    તમિલનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત આપી છે. કોર્ટે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા સંસ્થાને પાઠવવામાં આવેલી શો કૉઝ નોટિસ રદ કરવાનો મદ્રાસ હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો અને ઇશા ફાઉન્ડેશન વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી. 

    જસ્ટિસ સૂર્યકાંત અને એનકે સિંઘની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. કોર્ટે TNPCBની અરજી ફગાવીને મદ્રાસ હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો. 

    શું છે કેસ? 

    વાસ્તવમાં નવેમ્બર 2021માં તમિલનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા સદગુરુના ઈશા ફાઉન્ડેશનને એક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે સંસ્થાએ 2006થી 2014 વચ્ચે અમુક બાંધકામ કર્યું હતું, જેમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવામાં આવ્યું ન હતું. કેન્દ્ર સરકારના 2006ના નોટિફિકેશન અનુસાર આ મંજૂરી મેળવવી આવશ્યક હોવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    આ નોટિસને પડકારવા માટે ઇશા ફાઉન્ડેશન હાઇકોર્ટ પહોંચ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ વર્ષ 1994થી બાંધકામ કરી રહ્યા છે, જ્યારે આવા કોઈ નિયમો બન્યા પણ ન હતા. સંસ્થાએ એમ પણ જણાવ્યું હતું કે એક યોગા સેન્ટર હોવાના કારણે તેઓ ‘શિક્ષણ સંસ્થા’ના દાયરામાં આવે છે અને 2014ની કેન્દ્ર સરકારની એક સ્પષ્ટતા અનુસાર તમામ શિક્ષણ સંસ્થાઓ, ઔદ્યોગિક શેડ અને હોટેલોને બાંધકામ પહેલાં જરૂરી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. 

    રાજ્ય સરકારને ઈશા ફાઉન્ડેશનની આ દલીલનો વિરોધ કર્યો હતો અને દલીલ આપી હતી કે જો તેને શિક્ષણ સંસ્થા માની પણ લેવામાં આવે તોપણ તે માત્ર 10 હજાર સ્ક્વેર મીટર વિસ્તાર માટે લાગુ પડે છે, જ્યારે સંસ્થા કોયમ્બતુરમાં 2 લાખ સ્ક્વેર મીટરમાં પરિસર ઊભું કર્યું છે. 

    કેન્દ્ર સરકારે આ મામલે ફાઉન્ડેશનના પક્ષમાં દલીલો કરી હતી અને જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થા હોવાના કારણે તેમને ક્લિયરન્સ મેળવવાની જરૂર રહેતી નથી. 2022માં કેન્દ્રે એક પરિપત્રથી એ પણ સ્પષ્ટતા કરી હતી કે શિક્ષણ સંસ્થા કોને કહેવાય. જેમાં માનસિક, નૈતિક અને શારીરિક વિકાસની તાલીમ આપતી સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. 

    દલીલોને અંતે 2022માં મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની નોટિસ રદબાતલ ઠેરવી હતી અને ઈશા ફાઉન્ડેશનના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. કોર્ટે સંસ્થાની દલીલો માન્ય રાખી હતી અને કહ્યું હતું કે તે ખરેખર ‘શિક્ષણ સંસ્થા’ કહી શકાય. 

    હાઇકોર્ટના આ નિર્ણયને પછીથી બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે જોકે પાછલી સુનાવણીમાં પ્રશ્ન કર્યો હતો કે બોર્ડને આ નિર્ણયને પડકારવામાં 2 વર્ષનો સમય કેમ લાગી ગયો અને આ વિલંબ પાછળનું શું કારણ છે? સાથે કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં શિક્ષણ સંસ્થાવાળી દલીલોને યોગ્ય ઠેરવી હતી અને કહ્યું હતું કે શિક્ષણ સંસ્થાન હોવાના કારણે ફાઉન્ડેશનને મંજૂરી મેળવવામાંથી બાકાત રાખી શકાય તેમ છે. 

    સુપ્રીમ કોર્ટે આખરે મદ્રાસ હાઇકોર્ટનો નિર્ણય માન્ય રાખ્યો છે અને ફાઉન્ડેશન વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવાની ના પાડી છે. બીજી તરફ જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં જો પરિસરમાં કોઈ પણ બાંધકામ કાર્ય કરવામાં આવે તો જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે અને મંજૂરી પણ મેળવી લેવામાં આવે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં