Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેસમાં ટ્રાયલ ઝડપી પૂર્ણ કરવાના હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા...

    કેસમાં ટ્રાયલ ઝડપી પૂર્ણ કરવાના હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા પૂર્વ IPS સંજીવ ભટ્ટ, કોર્ટે ઝાટકણી કાઢી: અરજી ફગાવીને દંડ ફટકાર્યો

    બેન્ચે સુનાવણી કરીને આ અરજીને ‘અર્થવિહીન’ ગણાવીને સંજીવ ભટ્ટને 10 હજારનો દંડ ફટકારી દીધો હતો.

    - Advertisement -

    વિવાદિત પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટને વધુ એક કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. ભટ્ટ પોતાની વિરુદ્ધ ચાલતા એક કેસ મામલે ગુજરાત હાઇકોર્ટના ટ્રાયલ જલ્દીથી પૂર્ણ કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને 10 હજારનો દંડ ફટકારી દીધો હતો. 

    સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરવિંદ કુમાર અને બીઆર ગવઈની બેન્ચે સુનાવણી કરીને આ અરજીને ‘અર્થવિહીન’ ગણાવીને ફટકાર લગાવીને સંજીવ ભટ્ટને 10 હજારનો દંડ ફટકારી દીધો હતો. જે રકમ તેમણે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાની રહેશે. 

    આ કેસ વર્ષ 1996નો છે, જેમાં સંજીવ ભટ્ટ ઉપર એક વકીલને ડ્રગ્સના કેસમાં ખોટી રીતે ફસાવવાનો આરોપ લાગ્યો છે. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે સેશન્સ કોર્ટને 31 માર્ચ, 2023 સુધીમાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 

    - Advertisement -

    કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, ક્રિમિનલ કેસમાં તો પક્ષકારો ઇચ્છતા હોય છે કે તેમની ટ્રાયલ ઝડપી પૂર્ણ થાય અને નિકાલ આવે. તેમજ સમયસીમામાં વધારો કરવાની બાબત એ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ વચ્ચેનો મામલો છે. કોર્ટે નોંધ્યું કે, હાઇકોર્ટે કેસના નિકાલ માટે સમયસીમા નક્કી કરી હતી અને ત્યારબાદ તેમાં એક્સ્ટેન્શન આપવામાં આવ્યું. પરંતુ ટ્રાયલ પૂર્ણ ન થવાના કારણે એડિશનલ સેશન્સ જજે છ મહિનાના એક્સ્ટેન્શનની માંગ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી છે. 

    સંજીવ ભટ્ટે કોર્ટમાં અપીલ કરી હતી કે અત્યાર સુધી 60માંથી માત્ર 16 વ્યક્તિઓનું જ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એવું કહેવામાં નથી આવ્યું કે બાકીનાનું પરીક્ષણ થશે નહીં. જેથી 31 માર્ચ સુધી કોઈ પણ સંજોગોમાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ યોગ્ય નથી. જોકે, કોર્ટે આ દલીલ માન્ય રાખી ન હતી. 

    વાસ્તવમાં, આ કેસ વર્ષ 1996નો છે. સંજીવ ભટ્ટ ત્યારે બનાસકાંઠાના સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ હતા. તેમની પોલીસે રાજસ્થાનના એક સુમેરસિંઘ રાજપુરોહિત નામના વકીલની ધરપકડ કરી હતી અને પાલનપુરની એક હોટેલમાં તેમના રૂમમાંથી ડ્રગ્સ મળી આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, રાજસ્થાન પોલીસે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

    ત્યારબાદ 1999માં પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વ્યાસે હાઇકોર્ટમાં અપીલ કરીને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ મામલાની તપાસ CIDને સોંપવામાં આવી હતી અને સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. 

    હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં કહ્યું હતું કે સુનાવણી 9 મહિનામાં પૂર્ણ કરી લેવામાં આવે. 2022માં હાઇકોર્ટે લોઅર કોર્ટને સુનાવણી પૂરી કરવા માટે વધારાનો સમય પણ આપ્યો હતો. જોકે, જાન્યુઆરી 2023માં લોઅર કોર્ટે ફરી રજૂઆત કરીને ફરી સમય માંગ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટે 31 માર્ચ, 2023 સુધીમાં ટ્રાયલ પૂર્ણ કરી લેવા માટે આદેશ આપ્યો હતો. જેની વિરુદ્ધમાં સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. 

    અહીં ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ એ જ વિવાદિત IPS અધિકારી છે જેમણે 2002નાં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ એ બેઠકમાં સામેલ હતા જેમાં નરેન્દ્ર મોદીએ પોલીસ તંત્રને હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે અને આક્રોશ ઠાલવવા દેવા માટે આદેશ આપ્યો હતો, જેથી ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ ન બને. જોકે, એ પણ નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ આરોપો ફગાવી દઈને નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી દીધી હતી. હાલ સંજીવ ભટ્ટ 1990ના એક કસ્ટોડિયલ ડેથ કેસમાં જેલની સજા કાપી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં