Sunday, November 24, 2024
More
    હોમપેજગુજરાતગીર સોમનાથ બુલડોઝર એક્શન: યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાની સુપ્રીમની ના, ગુજરાત સરકારે...

    ગીર સોમનાથ બુલડોઝર એક્શન: યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાની સુપ્રીમની ના, ગુજરાત સરકારે કહ્યું- જમીનનો કબજો કોઈ તૃતીય પક્ષને નહીં સોંપાય

    ગીર સોમનાથની આ ડિમોલિશન ડ્રાઈવ વિરુદ્ધ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ગીર સોમનાથમાં મોટાપાયે ચાલેલી ડિમોલિશન ડ્રાઇવ બાદ મુસ્લિમ સમુદાયનાં અમુક સંગઠનો કોર્ટના દ્વારે પહોંચ્યાં હતાં, જે મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જોકે, કોર્ટે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાની ના પાડી દીધી છે. ગુજરાત સરકાર તરફથી કોર્ટને બાંહેધરી આપવામાં આવી હતી કે જે જમીનો પરથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે તે સરકાર હસ્તક જ રહેશે અને આગામી આદેશ સુધી કોઈ પણ તૃતીય પક્ષને સોંપવામાં નહીં આવે. આ બાંહેધરી બાદ કોર્ટે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાની જરૂરી સમજ્યું નથી.

    ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથની આ ડિમોલિશન ડ્રાઈવ વિરુદ્ધ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મામલાની આગામી સુનાવણી 11 નવેમ્બરના રોજ મુકરર કરી છે, જે દિવસે આ ડ્રાઈવ દરમિયાન કોર્ટના આદેશની અવમાનના કરવામાં આવી હોવાની એક અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

    સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ ગુજરાત હાઈકોર્ટના 3 ઑક્ટોબરના આદેશ સામે ઓલિયા-એ-દિન સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન (SLP)ની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે વર્ષ 1903માં આ જમીન સમિતિના નામે નોંધાઈ હતી. આગળ કહ્યું કે, જ્યાં બુલડોઝર કાર્યવાહી થઈ એ સંરક્ષિત સ્મારકો છે ત્યાં કોઈપણ તૃતીય પક્ષનો અધિકાર નથી. સિબ્બલે એવી પણ દલીલ કરી હતી કે, જમીન પર અમુક મંદિરો પણ છે, પરંતુ તેને છોડી દેવામાં આવ્યાં અને માત્ર મજહબી બાંધકામો જ તોડવામાં આવ્યાં.

    - Advertisement -

    મંદિરોને બાકાત રાખવામાં આવ્યાં: સિબ્બલ; માત્ર ગેરકાયદેસર બાંધકામો જ તોડાયાં છે: સરકાર

    સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી અને અરજદારો જાણીજોઈને સુપ્રીમ કોર્ટ સમક્ષ અમુક માહિતી છુપાવી રહ્યા છે. તેમણે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરતાં એમ પણ કહ્યું હતું કે, જે ગેરકાયદેસર બાંધકામ હતાં અને સરકારી જમીન પર સ્થિત હતાં તેને જ હટાવવામાં આવ્યાં છે અને પ્રક્રિયા એક-બે દિવસ નહીં પણ ઘણા મહિનાથી શરૂ થઈ ગઈ હતી.

    દરમ્યાન, કપિલ સિબ્બલે કોર્ટને યથાસ્થિતિ જાળવવા માટેનો આદેશ પસાર કરવાની વિનંતી કરી હતી, પરંતુ તે સ્વીકારવામાં ન આવી.

    કપિલ સિબ્બલની દલીલો સામે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું કે, વિવાદિત જમીન સોમનાથ ટ્રસ્ટના કબજામાં છે. તેમણે દલીલ કરી હતી કે માલિકી અંગેના અરજદારના દાવાઓ ગેરમાર્ગે દોરનારા હતા અને સરકાર પાસે ‘ગેરકાયદેસર બાંધકામો’ તરીકે વર્ણવવામાં આવેલાં અતિક્રમણને દૂર કરવાનો પૂરેપૂરો કાયદાકીય અધિકાર છે.

    SG મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે ગેરકાયદેસર અતિક્રમણમાંથી મુક્ત કરાયેલી જમીન સરકાર પાસે રહેશે અને આગળના આદેશો સુધી કોઈપણ તૃતીય પક્ષને ફાળવવામાં આવશે નહીં. ત્યારપછી ખંડપીઠે કહ્યું હતું કે, “સોલિસિટર જનરલે કહ્યું છે કે આગામી આદેશો સુધી સંબંધિત જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને વચગાળાનો કોઈ આદેશ પસાર કરવો આવશ્યક જણાતો નથી.”

    અહીં ઉલ્લેખનીય છે કે ઔલિયા-એ-દિન કમિટીએ ગુજરાત હાઈકોર્ટના 3 ઑક્ટોબરના નિર્ણય સામે પિટિશન દાખલ કરી હતી, જેમાં યથાસ્થિતિ જાળવી રાખવાની માગણી કરવામાં આવી હતી. બીજી તરફ, સમગ્ર પાટની મુસ્લિમ જમાતે વહીવટીતંત્રની કાર્યવાહી સામે અરજી કરીને સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બર, 2024ના આદેશના ઉલ્લંઘન સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હાલ બંને અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને 11 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં