Saturday, November 23, 2024
More
    હોમપેજદેશપતંજલિ, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલતો અવમાનનાનો કેસ સુપ્રીમ કોર્ટે...

    પતંજલિ, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલતો અવમાનનાનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કર્યો: જાણો શું હતો કેસ, જેમાં પતંજલિ સામે પડેલા IMAના અધ્યક્ષે પણ પછીથી કોર્ટમાં માંગવી પડી હતી માફી

    આ મામલે કોર્ટે ગત 14 મેના રોજ ચુકાદો સુરક્ષિત કર્યો હતો. મંગળવારે (13 ઑગસ્ટ) ચુકાદો સંભળાવતી વખતે જસ્ટિસ કોહલીએ કહ્યું કે, તમામ પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલી માફીને સ્વીકારીને અવમાનનાની કાર્યવાહી બંધ કરવામાં આવે છે.

    - Advertisement -

    પતંજલિ આયુર્વેદ અને તેના સ્થાપકો યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલતો કોર્ટની આવમાનનાનો કેસ બંધ કરી દીધો છે. મંગળવારે (13 ઑગસ્ટ) જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે અગાઉની તમામ નોટિસો રદ કરી દીધી છે અને સાથે ચેતવણી પણ આપી છે કે ભવિષ્યમાં પણ આદેશોને વળગી રહેવામાં આવે અને ફરીથી ભૂતકાળની ભૂલો આચરવામાં ન આવે. 

    આ મામલે કોર્ટે ગત 14 મેના રોજ ચુકાદો સુરક્ષિત કર્યો હતો. મંગળવારે (13 ઑગસ્ટ) ચુકાદો સંભળાવતી વખતે જસ્ટિસ કોહલીએ કહ્યું કે, તમામ પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલી માફીને સ્વીકારીને અવમાનનાની કાર્યવાહી બંધ કરવામાં આવે છે. સાથે કોર્ટે કહ્યું કે, તેમણે પતંજલિ અને અન્યો દ્વારા અવમાનના ન થાય તે માટે જે પગલાં લેવામાં આવ્યાં છે તેનું પણ કોર્ટ સ્વાગત કરે છે. બીજી તરફ, કોર્ટે એવી પણ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોર્ટના આદેશનું ઉલ્લંઘન થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિ થશે તો કેસ ફરીથી ખોલવામાં આવી શકે છે. 

    શું હતો કેસ?

    કેસને ટૂંકમાં જોઈએ તો, આ કેસ ઇન્ડિયન મેડિકલ એસોશિએશનની એક અરજી પર આધારિત છે, જે એલોપેથીને ટાર્ગેટ કરતી તેમજ અમુક રોગોના ઉપચારનો દાવો કરતી પતંજલિની જાહેરાતો વિરુદ્ધ કરવામાં આવી હતી. કોર્ટે મામલો હાથ પર લેતાં નવેમ્બર, 2023માં પતંજલિએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ આવી જાહેરાતોથી દૂર રહેશે. પરંતુ ત્યારબાદ પણ આ પ્રકારની જાહેરાતો ચાલુ રહેવાનું ધ્યાને આવતાં કોર્ટે ફેબ્રુઆરી, 2024માં આવી જાહેરાતો પર વચગાળાનો પ્રતિબંધ મૂકીને કંપની અને આચાર્ય બાલકૃષ્ણને નોટિસ ફટકારી હતી. 

    - Advertisement -

    માર્ચ, 2024માં કોર્ટે આચાર્ય બાલકૃષ્ણ અને સ્વામી રામદેવને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો. પછીથી પતંજલિના MDએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે, ‘જે-તે જાહેરાતોમાં માત્ર સામાન્ય કથનો જ લેવામાં આવ્યાં હતાં, પરંતુ અજાણતાંમાં અમુક એવી બાબતો સામેલ થઈ ગઈ હશે, જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આગળ કહેવામાં આવ્યું હતું કે, જાહેરાતો પ્રામાણિક અને યોગ્ય જ હતી અને નવેમ્બર, 2023ના આદેશથી પતંજલિના મીડિયા કર્મચારીઓ વાકેફ ન હોવાના કારણે તે ચાલુ રહી હતી. ત્યારબાદ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ માફી માંગી હતી, પરંતુ કોર્ટે તે સ્વીકારી ન હતી. 

    પછીથી 16 એપ્રિલના રોજ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને બિનશરતી માફી રજૂ કરી હતી. પછીથી અમુક છાપાંમાં પણ આ બાબતે માફી પ્રકાશિત કરવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં તેના કદ અને ભાષાને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ પછીથી ફરી પતંજલિએ પ્રયાસ કરતાં કોર્ટે વાંધો ઉઠાવ્યો ન હતો અને મેમાં આદેશ સુરક્ષિત કરી લેવામાં આવ્યો હતો.

    પછીથી અન્ય કંપનીઓ પણ આવી રડારમાં, IMA અધ્યક્ષે એક નિવેદન બદલ માંગવી પડી હતી માફી  

    એ પણ નોંધવું જોઈએ કે આ મામલે પહેલાં ધ્યાન માત્ર પતંજલિ પર જ હતું, પરંતુ પછીથી કોર્ટના ધ્યાને આવ્યું હતું કે, અન્ય પણ અનેક કન્ઝ્યુમર ગુડ્સ સપ્લાયરો આ પ્રકારની ભ્રામક જાહેરાતો આપીને દુકાન ચલાવી રહ્યા છે. કોર્ટે તેમને પણ ચેતવણી આપી હતી અને સાથોસાથ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને પણ આડેહાથ લેતાં કહ્યું હતું કે, તેઓ જો આ પ્રકારે ભ્રામક જાહેરાતોનો ભાગ બનતા હોય તો તેમને પણ સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે. સાથોસાથ કોર્ટે મોર્ડન મેડિસિન અને હૉસ્પિટલોમાં ચાલતી ગેરરીતી પર પણ ધ્યાન દોર્યું હતું અને કારણ વગર બિનજરૂરી દવાઓ પ્રિસ્કાઇબ કરવા સામે પણ વાંધો લીધો હતો. 

    નોંધવા જેવી બાબત એ પણ છે કે આ કેસમાં જે IMAએ અરજી કરી હતી તેના અધ્યક્ષે પણ માફી માંગવી પડી હતી. વાસ્તવમાં કોર્ટે ડૉક્ટરોને પણ કહ્યું હતું કે તેઓ પણ મોર્ડન મેડિસિનમાં ગેરરીતી ચાલતી હોય તો બંધ કરે અને પોતાનું ઘર પહેલાં સરખું કરે. પછીથી એક પ્રેસ કૉન્ફરન્સમાં IMA અધ્યક્ષે ટિપ્પણી કરતાં કોર્ટની ટિપ્પણીને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાથી ડૉક્ટરોનું મનોબળ ઢીલું પડશે. પછીથી કોર્ટે આ નિવેદનો સામે વાંધો ઉઠાવીને IMA અધ્યક્ષને માફી માંગવા માટે કહ્યું હતું. પછીથી IMA અધ્યક્ષ અશોકને માફી માંગીને કહ્યું હતું કે, તેમનો ઇરાદો કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડવાનો ન હતો અને પોતાના નિવેદનો પર તેઓ ખેદ વ્યક્ત કરે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં