Monday, September 16, 2024
More
    હોમપેજદેશચંદ્રયાન-3: ચંદ્ર પર ફરી દિવસ ઉગ્યો, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે...

    ચંદ્રયાન-3: ચંદ્ર પર ફરી દિવસ ઉગ્યો, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સાધવા ઇસરોએ આરંભી તૈયારીઓ; રાત્રિ પડતાં સ્લીપ મોડમાં મૂકાયાં હતાં

    છેલ્લા 14 દિવસથી સ્લીપ મોડ પર મૂકવામાં આવેલાં પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર ફરીથી સક્રિય થવાની આશા છે. આ માટે ઈસરોએ તૈયારી શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    ભારતે મોકલેલું ચંદ્રયાન-3 લગભગ એક મહિનાની યાત્રા કર્યા બાદ ગત 23 ઓગસ્ટ, 2023ના રોજ સફળતાપૂર્વક ચંદ્રમાની સપાટી પર લેન્ડ થયું હતું. ત્યારબાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે લગભગ 14 દિવસ સુધી ચંદ્રમાનો અભ્યાસ કર્યો હતો, પરંતુ ત્યારબાદ ત્યાં રાત્રિ પડતાં બંનેને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યાં હતાં. હવે ચંદ્ર પર ફરીથી સૂર્યોદય થયો હોઈ ઈસરોએ લેન્ડર-રોવર સાથે સંપર્ક કરવાની તૈયારી શરૂ કરી છે. 

    ચંદ્રમા પર બુધવારે (20 સપ્ટેમ્બર, 2023) ફરી સૂર્યોદય થશે. જેથી છેલ્લા 14 દિવસથી સ્લીપ મોડ પર મૂકવામાં આવેલાં પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર ફરીથી સક્રિય થવાની આશા છે. આ માટે ઈસરોએ તૈયારી શરૂ કરી દીધી છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, સૂર્યોદય થયા બાદ લેન્ડર-રોવર ફરીથી સૂર્યઊર્જાની મદદથી પોતાની બેટરી ચાર્જ કરી શકે છે. જેથી આગામી 22 સપ્ટેમ્બરે ફરીથી તેમનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવશે. 

    ઈસરોએ બુધવારે જણાવ્યું હતું કે, આજે ‘શિવશક્તિ પોઈન્ટ’ પર સનરાઈઝ થશે અને જલ્દીથી વિક્રમ અને પ્રજ્ઞાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મેળવતાં થઈ જશે. તેઓ પર્યાપ્ત તાપમાન મેળવી લે ત્યારબાદ ઇસરો 22 સપ્ટેમ્બરના રોજ ફરીથી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે. 

    - Advertisement -

    પૃથ્વીના 28 દિવસ જેટલો હોય છે ચંદ્રનો એક દિવસ

    અહીં ઉલ્લેખનીય છે કે ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 28 દિવસ બરાબર હોય છે. એટલે કે ત્યાં 14 દિવસ માટે દિવસ હોય છે અને 14 દિવસ માટે રાત. ગત 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સૂર્યોદય થયો હતો, એ જ કારણ હતું કે લેન્ડર 23 ઓગસ્ટના રોજ ચંદ્રમાની સપાટી પર લેન્ડ થાય તે રીતે તેને મોકલવામાં આવ્યું હતું. 23મીએ સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ લેન્ડર અને રોવરે પોતાનું કામ શરૂ કર્યું હતું. 

    લેન્ડર એ સાધન છે જેણે ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ કર્યું હતું, જ્યારે રોવર તેમાં રાખવામાં આવેલું એક રોબોટિક સાધન છે, જેનું કામ ચંદ્રની સપાટી પર ફરીને માહિતી એકઠી કરવાનું છે. તેમાં વ્હીલ લગાવવામાં આવ્યાં છે, જેની મદદથી તે સપાટી પર ફરી શકે છે. રોવર માહિતી એકઠી કરીને લેન્ડરને મોકલાવે છે, જે પૃથ્વી સુધી પહોંચાડે છે. આ બંને સાધનો સૂર્યઊર્જાની મદદથી ચાલે છે. 

    4 સપ્ટેમ્બરે બંનેને સ્લીપ મોડમાં મૂકાયાં હતાં

    23 ઓગસ્ટથી 14 દિવસ સુધી બંને સક્રિય રહ્યાં હતાં અને ઘણી મહત્વપૂર્ણ જાણકારી પૃથ્વી સુધી મોકલાવી હતી. 4 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર રાત પડતાં બંનેને સહીસલામત પાર્ક કરીને સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યાં હતાં. કારણ કે આ સમય દરમિયાન સૂર્યપ્રકાશ નહિવત્ હોય છે અને તાપમાન -200 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. જેમાં બંને સાધનો કામ કરી શકે નહીં. 

    હવે બંને સાધનો ફરી સક્રિય થવાની આશા છે. જોકે, બંનેને જે કામ માટે મોકલવામાં આવ્યાં હતાં તે તેમણે પૂર્ણ કરી લીધાં હતાં. જેથી હવે ફરી સક્રિય થાય તો તે વધારાનું કામ કરશે. જો કોઈક કારણોસર સક્રિય ન થાય તો કાયમ માટે ભારતનાં રાજદૂત બનીને ત્યાં રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં