શ્રીલંકામાં આર્થિક સંકટ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે નવા વડાપ્રધાનની નિયુક્તિ કરવામાં આવી છે. વરિષ્ઠ નેતા દિનેશ ગુણવર્ધનેને દેશની કમાન સોંપવામાં આવી છે. શુક્રવારે (22 જુલાઈ 2022) શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ શપથ લેવડાવ્યા હતા.
શ્રીલંકામાં પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ગુરુવારે (21 જુલાઈ 2022) શ્રીલંકાના રાષ્ટ્રપતિ પડે શપથ લીધા હતા. તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન પદ ખાલી પડ્યું હતું. જેની ઉપર નવા વડાપ્રધાનની નિયુક્તિ કરવામાં આવી છે અને જવાબદારી દિનેશ ગુણવર્ધનેને સોંપવામાં આવી છે.
Dinesh Gunawardena appointed as the Prime Minister of Sri Lanka.
— ANI (@ANI) July 22, 2022
He took oath as the new Prime Minister at the Prime Minister’s Office on Flower Road, Colombo today.
(Photo source: NewsWire) pic.twitter.com/V6LnrpBQgj
ગુણવર્ધનેને એપ્રિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ શ્રીલંકન સરકારમાં વિદેશ મંત્રી અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના પરિવારનો ભારત સાથે પણ ઉંડો સબંધ રહ્યો છે. તેમના પિતા ફિલિપ ગુણવર્ધનેએ ભારત માટે સ્વતંત્રતાની લડાઈ લડી હતી.
ફિલિપ ગુણવર્ધનેને શ્રીલંકામાં સમાજવાદના જનક તરીકે જાણવામાં આવે છે. તેઓ વિસ્કૉન્સીન યુનિવર્સીટીમાં જયપ્રકાશ નારાયણ અને વીકે કૃષ્ણમેનનના સહાધ્યાયી હતા. તેમણે અમેરિકામાં વકાલત કરી હતી, જે બાદ લંડનમાં ભારતની સામ્રાજ્યવાદ વિરોધી લીગનું નેતૃત્વ પણ કર્યું હતું. ફિલિપ ગુણવર્ધનેનો ભારત પ્રત્યેનો પ્રેમ અને સામ્રાજ્યવાદી કબજા વિરુદ્ધ સ્વતંત્રતાની દિશામાં પ્રયાસ 1920 ના દાયકામાં અમેરિકાથી શરૂ થયો હતો. દરમ્યાન, તેમના પત્નીએ પણ તેમને સહકાર આપ્યો હતો.
ફિલિપ ગુણવર્ધનેએ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને બૉમ્બેમાં જેલ પણ ગયા હતા. ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ફિલિપ ગુણવર્ધનેના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. નહેરુ કોલંબો પ્રવાસ દરમિયાન ફિલિપના ઘરે પણ ગયા હતા અને સ્વતંત્રતા આંદોલનમાં તેમના યોગદાન માટે તેમના પરિવારને મળીને આભાર વ્યક્ત કર્યો હતો.
1948માં શ્રીલંકાને યુનાઇટેડ કિંગ્ડમથી સ્વતંત્રતા મળ્યા બાદ ફિલિપ અને તેમના પત્ની કુસુમા બંને સંસદસભ્ય બન્યાં હતાં. ફિલિપ 1956 માં પિપ્લાદ રિવોલ્યુશન સરકારના સંસ્થાપક નેતા અને કેબિનેટ મંત્રી હતા. તેમના તમામ ચાર સંતાનોએ કોલંબોના મેયર, કેબિનેટ મંત્રીઓ, સાંસદો વગેરે જેવાં ઉચ્ચ રાજકીય પદો પર કામ કર્યું છે.
માતા-પિતાની જેમ દિનેશ ગુણવર્ધને પણ ભારત સાથે સારા સબંધો રાખવાના પક્ષકાર રહ્યા છે. તેઓ 22થી વધુ વર્ષો સુધી કેબિનેટ મંત્રી રહ્યા છે. તેમનો જન્મ 2 માર્ચ 1949ના રોજ થયો હતો. તેમણે સંસદ સભ્ય અને કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું છે. હાલ તેઓ વામપંથી મહાજન એકઠા પેરમુના પાર્ટીના નેતા છે.
ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા બાદ શ્રીલંકા સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં સંકટની શરૂઆત વિદેશી દેવાના બોજના કારણે થઇ હતી. દેવું ચૂકવતાં-ચૂકવતાં શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર હવે સમાપ્ત થવાની કગાર પર છે. દેશની હાલત એ થઇ ગઈ છે કે ત્યાં ખાવાપીવાની ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે, તેમજ પેટ્રોલ-ડીઝલ માટે પણ લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી છે.