Sunday, November 24, 2024
More
    હોમપેજરાજકારણનવાજૂનીનાં એંધાણ…મોદી સરકારે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, સપ્ટેમ્બરમાં યોજાશે

    નવાજૂનીનાં એંધાણ…મોદી સરકારે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, સપ્ટેમ્બરમાં યોજાશે

    અચાનક આ ઘોષણાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ ગઈ છે. સરકાર કોઈ મહત્વના વિષય પર ચર્ચા કરશે કે અગત્યનાં બિલ રજૂ કરશે એ પણ હજુ સુધી નક્કી નથી.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલવાવવાની ઘોષણા કરી છે. આ સત્ર આગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન ચાલશે. 

    કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ જાહેરાત કરી હતી. તેમણે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરતાં લખ્યું કે, સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને આ દરમિયાન કુલ 5 બેઠકો થશે. સાથે તેમણે ઉમેર્યું કે, આ 17મી લોકસભાનું 13મુ અને રાજ્યસભાનું 261મુ સત્ર હશે. નોંધનીય છે કે રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી, જેથી તેનાં સત્રોની સંખ્યા વધુ છે. લોકસભા દર પાંચ વર્ષે ભંગ થાય છે. સાથે કેન્દ્રીય મંત્રીએ લખ્યું કે, અમૃતકાળ વચ્ચે સંસદમાં ફળદાયી ચર્ચાઓ કરવામાં આવશે. 

    જોકે, એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ સંસદના વિશેષ સત્રનો એજન્ડા શું હશે. અચાનક આ ઘોષણાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ ગઈ છે. સરકાર કોઈ મહત્વના વિષય પર ચર્ચા કરશે કે અગત્યનાં બિલ રજૂ કરશે એ પણ હજુ સુધી નક્કી નથી. એ પણ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ નવું સત્ર નવા ભવનમાં યોજાશે કે જૂના ભવનમાં.

    - Advertisement -

    અહીં એ પણ નોંધનીય છે કે તાજેતરમાં જ સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયું હતું. 20 જુલાઈ, 2023ના રોજ શરૂ થયેલું સત્ર 11 ઓગસ્ટ, 2023ના રોજ પૂર્ણ થયું હતું. આ સત્રમાં કુલ 23 દિવસો દરમિયાન 17 બેઠકો યોજવામાં આવી તેમજ અનેક મહત્વનાં બિલ પર ચર્ચા કરીને તેને પસાર કરવામાં આવ્યાં. આ સત્ર દરમિયાન લોકસભામાં 20 અને રાજ્યસભામાં 5 બિલ રજૂ કરવામાં આવ્યાં. લોકસભાએ 22 બિલ પાસ કર્યાં તેમજ રાજ્યસભાએ 25. 

    આ જ સત્ર દરમિયાન બહુચર્ચિત દિલ્હી સર્વિસીસ બિલ પણ પસાર કરવામાં આવ્યું હતું. પહેલાં લોકસભામાંથી પસાર કર્યા બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં પણ બહુમતી સાથે તે પસાર થઇ ગયું હતું. ઉપરાંત, પસાર થયેલાં બિલમાં ડેટા પ્રોટેક્શન બિલ, જન્મ-મૃત્યુ નોંધણી બિલ વગેરેનો પણ સમાવેશ થાય છે. 

    સંસદના આ જ સત્રમાં વિપક્ષ દ્વારા સંયુક્ત રીતે અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર 20 કલાક સુધી ચર્ચા થઇ અને 60 સભ્યોએ પોતાના વિચાર ગૃહમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ અને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ રજૂ કર્યો હતો. વડાપ્રધાનના સંબોધન બાદ આખરે ધ્વનિ મત દ્વારા પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં