આગામી પ્રજાસત્તાક દિવસ પહેલા, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં જહાંગીરપુરીમાંથી 2 આતંકીઓની આતંકવાદી સંગઠનો સાથે કથિત સંબંધો અને જઘન્ય અપરાધોમાં સંડોવણીના આરોપસર ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલ આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ 4 શંકાસ્પદોની શોધ કરી રહી છે.
સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ ‘ડ્રોપ ડેડ મેથડ’નો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના હેન્ડલરોએ તેમને હથિયારો પહોંચાડવા માટે ડ્રોપ ડેડ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બોર્ડર પર બેઠેલા તેમના આકાઓએ સિગ્નલ એપ પર સૂચના આપી હતી અને ગુગલ મેપ દ્વારા હથિયારોથી ભરેલી બેગના કન્સાઈનમેન્ટનું લોકેશન મોકલ્યું હતું. જ્યાંથી આરોપીઓએ હથિયારો ઉપાડ્યા હતા.
આ આતંકવાદી ઘટનાક્રમમાં 8 લોકો સામેલ
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આતંકવાદીઓના આ નેટવર્કમાં લગભગ 8 લોકો સામેલ હતા. જેમાંથી 4 હજુ પણ ભારતમાં જ હાજર છે. બે આતંકવાદીઓનો ઉપયોગ શસ્ત્રો પૂરા પાડવા માટે અને 2નો ઉપયોગ હથિયારોને ચોક્કસ સ્થળે રાખવા અને તેમના ગુગલ લોકેશન તેમના બોસને મોકલવા માટે કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓ પાસેથી મળી આવેલા હથિયારો આતંકીઓને ઉત્તરાખંડના એક અજ્ઞાત સ્થળેથી મળી આવ્યા હતા. જેની હવે ચકાસણી કરવામાં આવી રહી છે.
પોતાને સાબિત કરવા કચરો ઉપાડનાર હિંદુને મોતને ઘાટ ઉતારી દીધો
ન્યૂઝ એજન્સીએ દિલ્હી પોલીસને ટાંકીને કહ્યું કે પોલીસે ‘ટાર્ગેટ કિલિંગ કેસ’માં પીડિત પરિવારને શોધી કાઢ્યો છે અને મૃતકની ઓળખ માટે ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવશે. ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ (નૌશાદ અને જગજીત)એ અગાઉ એક કચરો વીણવાવાળાને હિંદુ તરીકે ઓળખાવ્યા બાદ તેની હત્યા કરી હતી.
નોંધનીય છે કે માત્ર પોતાના હેન્ડલર સામે પોતાની બર્બરતા સાબિત કરવા માટે આ બંનેએ એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને તેના શરીરના 9 ટુકડા કરી દીધા હતા. આ વાતનો ખુલાસો ખુદ આતંકીઓએ કર્યો હતો.
સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા
નોંધનીય છે કે 12 જાન્યુઆરીએ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી આતંકવાદીઓ-જગજીત સિંહ અને નૌશાદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. સરહદ પારથી આવેલા આતંકવાદીઓની સૂચના પર બંને આતંકવાદીઓ પ્રજાસત્તાક દિવસ પર દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા.
રાષ્ટ્રીય રાજધાનીના જહાંગીરપુરી વિસ્તારમાંથી ગુરુવારે ધરપકડ કરાયેલા બે શકમંદોને 27 જાન્યુઆરી અને 31 જાન્યુઆરીએ હિંદુ-જમણેરી નેતાઓની ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા આતંકવાદીઓને શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.