આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે. સદીઓથી ભગવાન રામની રાહ જોઈ રહેલા કરોડો હિંદુઓની પ્રતીક્ષાનો અંત આવશે. તેવામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે એક રાષ્ટ્રજોગ અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે પ્રાણપ્રતિષ્ઠાના દિવસે દેશના દરેક ગામ-મહોલ્લા સ્થિત મંદિરોમાં હિંદુઓ એકત્રિત થાય અને મહોત્સવના સીધા પ્રસારણને નિહાળીને તેમાં સંમેલિત થાય. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરીએ હિંદુઓ ઘરે-ઘરે દીપોત્સવ પણ મનાવે.
22 જાન્યુઆરીએ યોજાનાર રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે અધિકારીક અકાઉન્ટ પરથી X પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં ભવ્ય રામમંદિરના વિવરણ સાથે એક અપીલ પણ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “આગામી પોષ શુક્લ દ્વાદશી, વિક્રમ સંવત 2080, સોમવાર (22 જાન્યુઆરી, 2024)ના શુભ દિને પ્રભુ શ્રીરામના બાળ સ્વરૂપના નૂતન વિગ્રહને (પ્રતિમા) રામમંદિરમાં વિરાજમાન કરીને પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દિવસે અયોધ્યામાં અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ હશે. આ પાવન દિવસે આપ પણ (દેશના હિંદુઓ) સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી પોતાના ગામ-મહોલ્લામાં આવેલા મંદિરોમાં એકત્ર થઈને ભજન-કીર્તન સાથે ટીવી, પડદા પર આ ભવ્ય સમારોહમાં જોડાશો.”
ઘરે ઘરે દીપોત્સવ મનાવે હિંદુઓ
આખા ભારતના વાતાવરણને સાત્વિક અને રામમય કરવાની આ અપીલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સમારોહને દુરદર્શન પર સીધું પ્રસારિત કરવામાં આવશે. સાથે જ ટ્રસ્ટે દેશના હિન્દુઓને આહ્વાન કર્યું છે કે, “પ્રાણપ્રતિષ્ઠાની સાંજે દરેક હિંદુ પોતાના ઘરની બહાર દીપ પ્રજ્વલિત કરે અને વિશ્વના કરોડો હિંદુઓના ઘરમાં દીપોત્સવ મનાવવામાં આવે.” સાથે જ આ અપીલમાં રામભક્તોને સમય અનુકુળતાએ રામમંદિરના દર્શન કરવા હેતુ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
जय श्री राम!
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 3, 2023
Jai Shri Ram!
संपूर्ण विश्व के श्रीराम भक्तों से हमारा निवेदन
Our appeal to Shri Ram bhakts across globe. pic.twitter.com/adpw7EO62A
અયોધ્યામાં ભવ્ય રામમંદિર હાલ નિર્માણ પામી રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન મંદિરમાં બિરાજમાન થશે, જે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તારીખનું એલાન અધિકારીક રીતે કરી દેવામાં આવ્યું છે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિમંત્રણ અપાઈ ચૂક્યું છે. નોંધવું જોઈએ કે પીએમ મોદીના હસ્તે ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે.
મંદિરનો ગર્ભગૃહનો ભાગ ડિસેમ્બર મહિના સુધી તૈયાર થવાની ગણતરી છે. ત્યારબાદ જાન્યુઆરીમાં આ કાર્યક્રમ યોજાશે અને મંદિર દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, નિર્માણકાર્ય ત્યારબાદ પણ ચાલુ જ રહેશે, જે સંપૂર્ણ તૈયાર થતાં 2025 અંત આવી જશે તેવું અનુમાન છે.