અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર હવે તેના અંતિમ આકારમાં આવી રહ્યું છે. થોડા સમય અગાઉ સામે આવેલા ગર્ભ ગૃહનાં ફોટાથી ગર્ભગૃહની વિશાળતા જાણી શકાઈ હતી. તેવામાં હવે શ્રીરામ જન્મભૂમી ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર અયોધ્યા રામ મંદિરના સ્તંભો પર લાગનાર શાસ્ત્રોક્ત કથાઓ આધારિત સુંદર મૂર્તિઓ અને કોતરણીઓ વાળા શિલ્પોના ફોટા જાહેર કર્યા છે.
અયોધ્યા રામ મંદિરના સ્તંભો પર લાગનાર શાસ્ત્રોક્ત કથાઓ આધારિત સુંદર મૂર્તિઓ વિષે માહિતી આપતી આ પોસ્ટમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે લખ્યું હતું કે, “આપણા શાસ્ત્રોની કથાઓના આધાર પર પથ્થરો પર કોતરણી કરીને સુંદર મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.જેમને બાદમાં નિર્માણ કાર્યક્રમના અનુસાર શ્રીરામ જન્મભૂમિના મંદિરમાં લગાવવામાં આવેલા સ્તંભો, આધાર અને અન્ય નિર્ધારિત સ્થાનો પર લગાવવામાં આવશે.”
Beautiful Statues are being carved on stone, based on stories from our Shastras.
— Champat Rai (@ChampatRaiVHP) May 18, 2023
They will be later pasted on pillars, base and other designated places in Shri Ram Janmabhoomi Mandir, as per the construction schedule. pic.twitter.com/HMxEJBXk2s
આ મૂર્તિઓમાં મંદિરની ભવ્યતાને દર્શાવવા હાથી, સાથે જ કળા કરતો મોર, અને અન્ય સુંદર કોતરણીઓ કરેલા શિલ્પોનો સમાવેશ થાય છે. જેને માંજેલા કારીગરો સખ્ત મહેનતથી છીણી અને હથોડા વડે ઘડી રહ્યાં છે. આ સિવાય મંદિરના અન્ય ભાગોમાં પણ વાસ્તુ આધારિત શિલ્પો અને સુંદર કલાકૃતિઓ મુકવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલા મંદિરના ગર્ભગૃહના ફોટા સામે આવ્યાં હતા, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બની રહેલા ગર્ભગૃહમાં તમામ સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે. રામલલ્લાના દર્શન એટલે કે ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 32 સીડીઓ બનાવવામાં આવી છે. જેના વિશે માહિતી આપતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ફોટા પણ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જાહેર કર્યા છે. રામ મંદિરના ગર્ભગૃહના એક ભાગમાં ચૌખટ અને 20 ફૂટ ઊંચી દિવાલો આકાર લેતી જોવા મળે છે. જેને મકરાણાની સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ફોટાઓમાં સિંહદ્વારનું નિર્માણ, ગર્ભગૃહની દિવાલો અને સ્તંભોનું નિર્માણ પણ જોવા મળે છે.
મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. 2024માં મકરસંક્રાંતિ સુધીમાં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ શકે છે. આ માટે મંદિર પરિસરમાં પંચાયતનની પૂજા પણ શરૂ થઇ ગઇ છે. આ પૂજા રામલલ્લા ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે ત્યાં સુધી ચાલુ રહેશે. આ બાબતે ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય કરતા આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં ગર્ભગૃહનું બીમ નાખવાનું કામ શરૂ થશે. રામ મંદિરની છતના 200 જેટલા બીમની કોતરણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. રામસેવક પુરમ અને રામઘાટ ખાતેની કાર્યશાળામાં બીમ કોતરવામાં આવી રહ્યાં છે. જે પથ્થરોમાં કોતરણી કામ થઈ ચૂક્યું છે તેને રામ જન્મભૂમિ સંકુલમાં લઈ જવામાં આવી રહ્યા છે.”