તમામ મોરચે કંગાળ થઇ ગયેલો પાડોશી દેશ પાકિસ્તાન હાલ ચર્ચામાં છે. બીજી તરફ, ભારત સાથેના સબંધોને લઈને પણ બંને તરફ ચર્ચાઓ અને નિવેદનો ચાલતાં જ રહે છે. જેની વચ્ચે ભારત પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપશે તેમ અહેવાલો જણાવી રહ્યા છે. જોકે, વિદેશ મંત્રાલયે અધિકારીક રીતે કશું જણાવ્યું નથી.
આ પહેલાં આ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને ચીનના વિદેશ મંત્રી કિન ગાંગને ભારત તરફથી આમંત્રણ આપવામાં આવી ચૂક્યું છે. જોકે, ભુટ્ટો કે ચીની વિદેશમંત્રી ભારત આવશે કે નહીં તેની ઉપર હજુ પ્રશ્નાર્થ છે. આ કોન્ફરન્સ મે 2023માં યોજાનાર છે.
ભારત આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની અધ્યક્ષતા કરી રહ્યું છે. અધ્યક્ષ દેશનું આમંત્રણ એક રૂટીન માનવામાં આવે છે. હાલ મોંઘવારી અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાને તાજેતરમાં પીએમ મોદીને વાતચીત માટે અપીલ કરી હતી. ભારત સાથેના સંબંધો સુધારવાની પાકિસ્તાન તરફથી વારંવાર અપીલ બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને ચીફ જસ્ટિસને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ મોકલ્યું હતું.
અહેવાલોમાં જણાવેલી સત્તાવાર માહિતી અનુસાર, SCO સમિટની બેઠક માટેનું આમંત્રણ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આપવામાં આવ્યું છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાન આ આમંત્રણ સ્વીકારશે કે નહીં. પણ જો પાકિસ્તાનના વડાપ્રધાન અથવા વિદેશમંત્રી આ બેઠકમાં રૂબરૂ હાજરી આપવાનું નક્કી કરે તો તે 2011 પછી ઇસ્લામાબાદથી ભારતની આવી પ્રથમ મુલાકાત હશે. તે વર્ષે પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર ભારતની મુલાકાતે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોષિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પુલવામા હુમલાના જવાબમાં ફેબ્રુઆરી 2019માં ભારતીય એયર ફોર્સના ફાઈટર જેટ્સ દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી પ્રશિક્ષણ કેમ્પ પર એરસ્ટ્રાઈક ઓપરેશન ચલાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો વધુ વણસ્યા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાને કરી હતી ભારતને અપીલ
હાલમાં જ ‘અલ અરેબિયા’ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પીએમ મોદી સાથે વાતચીત કરવાની અપીલ કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે, “અમે ભારત સાથેના ત્રણ યુદ્ધોમાંથી અમારા પાઠ શીખ્યા છે. હવે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. અમે એકબીજાના પાડોશી દેશો છીએ અને બંનેએ એકબીજા સાથે રહેવાનું છે. ભારત સાથેના યુદ્ધ પાકિસ્તાનના લોકો માટે વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી લાવ્યા છે.”
તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત પણ પાકિસ્તાન સાથે સારા પડોશી સંબંધોની અપેક્ષા રાખે છે. પરંતુ તેપ હેલાં પાકિસ્તાને તેના દ્વારા ફેલાવવામાં આવતા આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણ બનાવવું જોઈએ. ત્યારબાદ ભારત પાસેથી સબંધ સુધારાની અપેક્ષા રાખવી જોઈએ.