ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. પહેલા કોંગ્રેસના હિમાંશુ વ્યાસ અને હવે ભાજપના જયનારાયણ વ્યાસનું રાજીનામું આપવાની ખબરે ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે, આગામી સમયમાં તેઓ કઇ પાર્ટી સાથે જોડાશે.
અહેવાલો અનુસાર ભાજપના જયનારાયણ વ્યાસનું રાજીનામું આપ્યા હોવાના સમાચારો સામે આવ્યાં બાદ તરત જ તેમણે નિવેદન આપ્યું હતું કે, “હું ચૂંટણી લડીશ, મારી પાસે કોંગ્રેસ અને આપ બે માર્ગ છે. પણ પહેલા કાર્યકરો સાથે ચર્ચા કરીને નક્કી કરીશ. હું કેજરીવાલને મળું એટલે આપમાં જઈશ તે વાતમાં તથ્ય નથી. ભાજપ સાથે મને કોઈ સંઘર્ષ નથી. પરંતુ હા હું અપક્ષ તરીકે ચૂંટણી નહી લડું. હાલ કંઈ પાર્ટીમાં જઈશ તે પણ નક્કી કર્યું નથી. કાર્યકરો જે નક્કી કરશે તે પાર્ટીમાંથી લડીશ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ.”
ભાજપમાંથી રાજનામૂ આપ્યા બાદ જયનારાયણ વ્યાસ એ ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરી ખાસ વાત, જુઓ #EXCLUSIVE ઈન્ટરવ્યૂ#BJP #GujaratElections2022 #GujaratElections #PoliticsToday #Siddhpur @JayNarayan_Vyas #Interview pic.twitter.com/d9zt7h7u4i
— News18Gujarati (@News18Guj) November 5, 2022
ભાજપનો આભાર માનીને જયનારાયણ વ્યાસે આપ્યું રાજીનામું: સી.આર પાટીલ
જયનારાયણ વ્યાસના રાજીનામાં બાદ સી.આર પાટીલે જણાવ્યું કે, “જયનારાયણભાઈ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા. તેઓ 2 વખત હાર્યા છતાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. તેમણે કેબિનેટ મંત્રી સુધી સેવા આપી છે. 75 વર્ષની ઉંમર પછી ટિકિટ ન આપવાનો ભાજપનો નિયમ છે એના કારણે અથવા અન્ય કોઈ કારણોસર પાર્ટીનો આભાર માનીને તેમણે રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.”
Gujarat | He was with BJP for 32 yrs & in last 10 yrs, he lost elections twice still BJP gave him ticket. BJP decided not to give tickets to candidates above age of 75. It might be reason behind his resignation:State BJP pres CR Paatil on BJP leader JN Vyas’s resignation from BJP pic.twitter.com/JDq5ExaVZV
— ANI (@ANI) November 5, 2022
કોણ છે જયનારાયણ વ્યાસ?
જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા હતા તેઓ ભાજપ સરકારમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે. નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા.
તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યા હતા. તેઓ શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે વ્યસ્ત છે જોકે તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે.
અશોક ગેહલોત સાથે મુલાકાત અંગે કરી હતી સ્પષ્ટતા
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જયનારાયણ વ્યાસે અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
જોકે, બાદમાં તેઓ આ મુલાકાત અંગે સ્પષ્ટતા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા. ચાર મહિના પહેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સિદ્ધપુરનો વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.