અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચના ચર્ચાસ્પદ રિપોર્ટ બાદ અદાણી જૂથની કંપનીઓના શેરની ટકાવારી સતત ઘટી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ કંપની શેર 50 ટકાથી વધુ નીચે ગગડ્યો છે અને આ આંકડો સતત મોટો થઈ રહ્યો છે. ત્યારે હવે આ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને થયેલા નુકસાન પર દેશના પ્રસિદ્ધ વકીલ હરીશ સાલ્વેએ પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.
હિંડનબર્ગના રિપોર્ટ પર હરીશ સાલ્વેએ પ્રતિક્રિયા આપતા ગૌતમ અદાણીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક ભારતીય બિઝનેસમેનની વૈશ્વિક ઉપસ્થિતિથી કોઈને ખુશી નથી થઈ રહી, આ પ્રકારના રિપોર્ટો સામે આવે તે સ્વભાવિક હતું. ઇન્ડિયા ટુડે ચેનલને આપેલા આ ઇન્ટરવ્યુમાં સાલ્વે જણાવે છે કે, “અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપો સાચા નથી લાગી રહ્યા, અદાણીની મોટાભગની સંપત્તિ રેગ્યુલેટ છે. તેમની મોટાભાગની કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને તેમના તમામ રેકોર્ડ પબ્લિક ડોમેનમાં છે.”
કંપની પર મની લોન્ડરિંગના આરોપો અંગે હરીશ સાલ્વેએ કહ્યું કે, જો લિસ્ટેડ કંપનીની ક્યાંય પણ સબસિડિયરી કંપની હોય તો તેને તેની બેલેન્સ શીટમાં દર્શાવવી પડશે. આમાં કશું છુપાયેલું નથી. તેમણે કહ્યું કે ભારતમાં બેંકો સંપૂર્ણ તપાસ કર્યા પછી જ લોન આપે છે. અદાણીને લોન આપનારી બેંકોએ પણ આવું કર્યું જ હશે.
Adani vs Hindenburg#Exclusive | ‘…Nobody is happy that India businessman today are making their presence felt in the world..’: Senior Advocate, Harish Salve
— IndiaToday (@IndiaToday) February 2, 2023
Full show: https://t.co/uFXAHIHupI
Watch #NewsToday with @sardesairajdeep pic.twitter.com/f7h1BvWqLE
હરીશ સાલ્વેએ કહ્યું કે, જ્યારે બધી જ બાબતો લોકોની સામે હોય તો એવું કઈ રીતે કહી શકાય કે કોઈ ગહન રિસર્ચ કરવામાં આવ્યું હોય અને તેમાં કંઈ ખોટું થયું હોવાનું સામે આવ્યું હોય. તેમણે હિંડનબર્ગના રિપોર્ટને ભારતીય વેપારીઓ પરનો હુમલો ગણાવ્યો અને કહ્યું કે, ભારતના વિકાસને અસર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિંડનબર્ગનો રિપોર્ટ અને અદાણી જૂથની પ્રતિક્રિયા
નોંધનીય છે કે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ ઉપર સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવવામાં આવ્યા હતા અને લિસ્ટેડ કંપનીઓ ઉપર દેવું વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગ્રુપને મોટો ફટકો પડ્યો હતો અને શૅર ઘટી ગયા હતા. ત્યાર બાદ દાણી જૂથે અમેરિકી ફર્મ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી.
ગત 26 જાન્યુઆરી 2023ના રોજ અદાણી જૂથે એક નિવેદન જારી કરીને હિંડનબર્ગના રિપોર્ટને દુર્ભાવનાપૂર્ણ અને યોગ્ય સંશોધન વિનાનો ગણાવ્યો હતો અને ઉમેર્યું કે તેઓ આવા સામાન્ય જનતા અને રોકાણકારોને ગેરમાર્ગે દોરતા અને અદાણી જૂથની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા ઈરાદાપૂર્વકના અને બેદરકારી પૂર્વકના રિપોર્ટથી ખૂબ ચિંતિત છે. ગ્રુપે નિવેદનમાં કહ્યું છે કે કંપનીના FPOને નુકસાન પહોંચાડવા માટે વિદેશી ફર્મ હિંડનબર્ગ દ્વારા જાણીજોઈને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની સામે તેઓ કડક કાર્યવાહી કરશે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંડનબર્ગે રિસર્ચ સામે કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં લેવા માટે ભારત અને અમેરિકાના કાયદા અને જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.