Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાને સાંસદનો પીએ ગણાવીને કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો રહ્યો શખ્સ,...

    પોતાને સાંસદનો પીએ ગણાવીને કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો રહ્યો શખ્સ, પોલીસે પકડી લીધો: ગૃહમંત્રીના મુંબઈ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ભારે ચૂક

    ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા તે દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક થઇ હતી.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જ બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. એક અજાણ્યો વ્યક્તિ ઘણા કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો જોવા મળ્યો હતો. ગૃહ મંત્રાલયના અધિકારીઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. 

    પકડાયેલા વ્યક્તિએ પોતાનું નામ હેમંત પવાર જણાવ્યું છે. તે મહારાષ્ટ્રના ધુળેનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાને આંધ્રપ્રદેશના એક સાંસદનો પીએ હોવાનું જણાવ્યું હતું. તેણે હાથમાં ગૃહમંત્રાલયનો બેન્ડ પણ પહેરી રાખ્યો હતો. જેના કારણે તે કલાકો સુધી ગૃહમંત્રીની આસપાસ ફરતો રહ્યો. આ વ્યક્તિ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર પણ ફરતો જોવા મળ્યો હતો. 

    હેમંત પાસે ગૃહ મંત્રાલયનો બેન્ડ હોવાના કારણે શરૂઆતમાં કોઈને શંકા ન ગઈ પરંતુ પછી ગડબડ લાગતાં ગૃહમંત્રાલયના અધિકારીઓએ મુંબઈ પોલીસને આ બાબતની જાણ કરી હતી. મુંબઈ પોલીસે તેને ત્રણ જ કલાકમાં શોધી કાઢ્યો હતો. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, આ શખ્સ પાસે સંસદનો પાસ પણ છે. જોકે, તેણે જે ગૃહમંત્રાલયનો બેન્ડ હાથમાં પહેરી રાખ્યો હતો, તે પહેરવા માટે તે અધિકૃત વ્યક્તિ ન હતો અને તે માટે તેને સજા પણ થઇ શકે છે. પોલીસને આશંકા છે કે આ વ્યક્તિ કોઈને એ બતાવવા માંગતો હતો કે તેની પહોંચ કેટલી છે અને તે ગૃહમંત્રી અમિત શાહના મંત્રાલયમાં કામ કરે છે. 

    ગૃહમંત્રી અમિત શાહ હાલ પશ્ચિમના પ્રવાસે હતા. પહેલાં બે દિવસ ગુજરાતમાં રહ્યા બાદ બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે પહોંચીને પ્રખ્યાત લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. બે દિવસ દરમિયાન ગૃહમંત્રીએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને બેઠકો પણ કરી હતી. તેઓ સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પણ ગયા હતા. આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં છીંડું પડ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો.

    આગામી મહિને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તે પહેલાં ગૃહમંત્રીનો મહારાષ્ટ્ર પ્રવાસ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. 

    અહીં નોંધવું જોઈએ કે, આ પહેલાં જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનો મામલો ખૂબ ચર્ચાયો હતો. પીએમ પંજાબ પ્રવાસે હતા તે દરમિયાન ખેડૂત આંદોલનકારીઓએ તેમનો રસ્તો રોકી લીધો હતો. જેના કારણે પીએમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી રોકાઈ રહ્યો હતો. જે બાદ સુરક્ષા કારણોસર વડાપ્રધાન કાર્યક્રમમાં ભાગ લેવા વિના જ પરત ફર્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં