મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્ર જૈનને દિલ્હી હાઇકોર્ટમાંથી જામીન ન મળતાં હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જૈનની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે બાદ કોર્ટે એજન્સી EDને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
સત્યેન્દ્ર જૈન તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં રજૂ થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ જામીન અરજી રજૂ કરીને દલીલ કરી કે, સત્યેન્દ્ર જૈનનું વજન 35 કિલો જેટલું ઘટી ગયું છે અને હવે હાડપિંજર જ રહી ગયું છે. તેમની તબિયત બહુ બગડી ગઈ હોવાના કારણો આપીને જામીનની માંગ કરવામાં આવી હતી.
SC: Take notice
— Bar & Bench (@barandbench) May 18, 2023
Dr AM Singhvi: after curing defects it did not come up .. he has lost 35 kgs and he is a skeleton now. he is in extreme health condition
Justice AS Bopanna: issue notice and liberty to move vacation bench, objections may be filed@dir_ed@SatyendarJain…
અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ એએસ બોપન્ના અને હિમા કોહલીની બેન્ચે તેની ઉપર ઇડીનો જવાબ માંગ્યો છે. સાથે અન્ય કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ કોર્ટે AAP નેતાને કોર્ટની વેકેશન બેન્ચ સમક્ષ જામીન નકારતા દિલ્હી હાઇકોર્ટના આદેશ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવા માટે છૂટ આપી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હી હાઇકોર્ટે જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે મોટાભાગના કેસમાં જામીન અરજી પર કોર્ટ તપાસ કરતી એજન્સી કે પોલીસનો જવાબ માંગે છે. જો એજન્સી જામીન અરજી પર વાંધો ન ઉઠાવે તો અરજદાર માટે સરળ થઇ જાય છે પરંતુ જો તેઓ કોર્ટને એ સમજાવવામાં સફળ રહે કે જે-તે આરોપીના જામીન મંજૂર કરી શકાય નહીં તો મુશ્કેલ થઇ પડે છે. જોકે, અંતિમ નિર્ણય કોર્ટનો જ હોય છે.
દિલ્હી હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પ્રબળ સંભાવનાઓ છે કે અરજદાર સબંધિત કંપનીઓ તેમના દ્વારા જ સંચાલિત કરવામાં આવતી હોઈ શકે. કોર્ટે એમ પણ કહ્યું કે, ટ્રાયલ કોર્ટના આદેશમાં કશું જ ખામી નથી અને તે તર્કબદ્ધ છે. જેથી સત્યેન્દ્ર જૈનને જામીન આપી શકાય નહીં અને તેમની અરજી ફગાવી દેવામાં આવે છે. અહીં નોંધનીય છે કે જૂન, 2022માં ટ્રાયલ કોર્ટે AAP નેતાની જામીન અરજી ફગાવી દીધી હતી.
સત્યેન્દ્ર જૈન તાજેતરમાં જ અન્ય કારણોસર ચર્ચામાં આવ્યા હતા. વાસ્તવમાં ગત 11 મેના રોજ તિહાડ જેલના સુપ્રિટેન્ડેન્ટને અરજી કરીને તેમણે જણાવ્યું હતું કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે અને ડોક્ટરે પણ તેમને એકલતામાં વધુ સમય રહેવાની ના પાડી છે. જેથી તેમને અન્ય 2 વ્યક્તિઓ સાથે રાખવામાં આવે. ત્યારબાદ સુપ્રિટેન્ડેન્ટે બે વ્યક્તિઓના તેમના જેલમાં શિફ્ટ કરી દીધા હતા. આ બાબત જેલ તંત્રના ધ્યાને આવતાં સુપ્રિટેન્ડેન્ટને નોટિસ પાઠવવામાં આવી હતી અને બંને કેદીઓને જૂના ઠેકાણે મોકલી દેવાયા હતા.
સત્યેન્દ્ર જૈનની ધરપકડ મે, 2022માં થઇ હતી. ત્યારથી તેઓ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેઓ કેજરીવાલ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા. તાજેતરમાં જ મનિષ સિસોદિયાની ધરપકડ બાદ તેમણે રાજીનામું આપ્યા બાદ જૈને પણ રાજનામું આપી દીધું હતું.