Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેલમાં જ રહેશે AAP નેતા સત્યેન્દ્ર જૈન, દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી:...

    જેલમાં જ રહેશે AAP નેતા સત્યેન્દ્ર જૈન, દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી: મની લોન્ડરિંગ કેસમાં થઇ હતી ધરપકડ

    કોર્ટે એમ પણ કહ્યું કે, ટ્રાયલ કોર્ટના આદેશમાં કશું જ ખામી નથી અને તે તર્કબદ્ધ છે. જેથી સત્યેન્દ્ર જૈનને જામીન આપી શકાય નહીં.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) ફગાવી દીધી છે. આ સાથે બંને સહ-આરોપીઓ વૈભવ જૈન અને અંકુશ જૈનના જામીન (Bail) પણ નામંજૂર કરવામાં આવ્યા છે. 

    ગત નવેમ્બર મહિનામાં દિલ્હીની ટ્રાયલ કોર્ટમાંથી જામીન નામંજૂર થયા બાદ સત્યેન્દ્ર જૈન દિલ્હી હાઇકોર્ટ ગયા હતા. 1 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે કોર્ટમાં અરજી કરી હતી. જેની ઉપર અત્યાર સુધી સુનાવણી ચાલી રહી હતી. ગત 22 માર્ચે દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. 

    આજે ચુકાદો આપતાં કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, CBIએ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. આ કોર્ટ કાર્યવાહીની કાયદેસર બાબતોમાં પડી શકે નહીં. પ્રબળ સંભાવનાઓ છે કે અરજદાર સબંધિત કંપનીઓ તેમના દ્વારા જ સંચાલિત કરવામાં આવતી હોઈ શકે. કોર્ટે એમ પણ કહ્યું કે, ટ્રાયલ કોર્ટના આદેશમાં કશું જ ખામી નથી અને તે તર્કબદ્ધ છે. જેથી સત્યેન્દ્ર જૈનને જામીન આપી શકાય નહીં અને તેમની અરજી ફગાવી દેવામાં આવે છે. 

    - Advertisement -

    આ સાથે કોર્ટે આ જ કેસના અન્ય બે આરોપીઓ વૈભવ જૈન અને અંકુશ જૈનની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. શક્યતા છે કે આ તમામ હવે જામીન માટે સુપ્રીમ કોર્ટ પાસે જઈ શકે છે. 

    મે, 2022માં થઇ હતી ધરપકડ

    સત્યેન્દ્ર જૈનની ધરપકડ ગત વર્ષે મે મહિનામાં કરવામાં આવી હતી. ઇડીએ મની લોન્ડરિંગ કેસ હેઠળ તેમની સામે કાર્યવાહી કરી હતી. ત્યારથી તેઓ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. આ પહેલાં તેમણે દિલ્હીની ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી. હવે હાઇકોર્ટમાંથી પણ તેમને રાહત મળી નથી. 

    ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ 2017ના રોજ સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એફઆઈઆર દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી આ FIRના આધારે EDએ AAP નેતા વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો હતો. ઇડીએ આ મામલે કાર્યવાહી કરી અને ગયા મહિને સત્યેન્દ્ર જૈનની 4.81 કરોડની સંપત્તિ કબજે કરી હતી. આ કાર્યવાહીના બરાબર એક મહિના પછી ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં