વર્ષ 2002-03માં મુંબઈમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ સાકિબ નાચને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક અરજી કરીને ઇસ્લામિક સ્ટેટ ફોર ઈરાક એન્ડ સીરિયા (ISIS)ને આતંકવાદી સંગઠન ઘોષિત કરતી કેન્દ્ર સરકારની અધિસૂચના રદ કરવાની માંગ કરી છે. જેની ઉપર બુધવારે (4 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. નોંધવું જોઈએ કે સાકિબ પોતે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભૂયાનની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. સાકિબ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે તેથી તે વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રહ્યો હતો. જેને કોર્ટે એમિકસની મદદ લેવાની સલાહ આપી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, “તમે જેલમાંથી ઓનલાઇન હાજરી આપી શકો છો. જો તમારે કંઇક ઉમેરવું હોય તો અમે પરવાનગી આપીશું.”
એમિકસ એટલે એવો વકીલ જે જે-તે મામલામાં પક્ષકાર હોતો નથી પરંતુ કોઈ એક પક્ષના સમર્થન અથવા વિરોધમાં જાણકારી કે તર્ક રજૂ કરી શકે છે અને કોર્ટને પણ સલાહ આપી શકે છે. જ્યારે નાચને આ માટે સંમતિ આપી ત્યારે કોર્ટે કહ્યું હતું કે, “અમે જેલના અધિકારીઓને કહીશું કે તમને એમિકસને મળવાની પરવાનગી આપે.”
ગત વર્ષે થઇ હતી ધરપકડ
નોંધનીય છે કે ગયા વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશમાં કાર્યરત ISISના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. 9 ડિસેમ્બર, 2023ના રોજ NIAએ વહેલી સવારે મોટી કાર્યવાહી કરતા દેશમાં 41 ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના થાણેનાં 31 સ્થળો, થાણે શહેરમાં 9, ભાયંદરમાં 1 અને કર્ણાટકમાં 1 સ્થળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ કેસમાં તપાસ એજન્સીએ સાકિબ નાચન સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી અને નાચનને મુખ્ય આરોપી બનાવ્યો હતો. NIAએ સાકિબ નાચન ઉપરાંત હસીબ ઝુબેર મુલ્લા, કાશિફ અબ્દુલ સત્તાર બાલેરે, સૈફ અતીક નાચન, રેહાન અશફાક સુસ, શગફ સફીક દિવકર, ફિરોઝ દસ્તગીર કુઆરીની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે સાકિબનો છોકરો શામિલ નાચન પણ તેના અબ્બુની જેમ જ આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છે. ગત વર્ષે NIAએ તેની પણ ધરપકડ કરી હતી.
મુખ્ય આરોપી નાચને મહારાષ્ટ્રના થાણેમાં એક ‘પડઘા’ નામના એક ગામને ‘અલ શામ’ ઘોષિત કરી દીધું હતું. અલ-શામનો અર્થ ‘ગ્રેટર સીરીયા, સ્વતંત્ર ક્ષેત્ર’ તેવો થાય છે. ઉપરાંત તે ભારતમાં શરિયા અંતર્ગત ઇસ્લામિક શાસન સ્થાપવા અને ભારતમાં વિવિધ સ્થાનો પર આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવી રહ્યો હતો.
2016માં થઇ હતી 10 વર્ષની જેલ
નોંધનીય છે કે તિહાડ જેલમાં બંધ સાકિબ નાચન આ પહેલાં પણ આતંકવાદી હુમલાના આરોપમાં સજા ભોગવી ચૂક્યો છે. સાકિબ નાચનને વર્ષ 2003ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં 2016માં દોષી ઠેરવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં વર્ષ 2017માં ‘સારા વ્યવહારના કારણે’ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે ભાગેડુ ઇસ્લામી કટ્ટરપંથી ઝાકીર નાઈક સાથે પણ તેના ગાઢ સંબંધ છે.
ઉલ્લેખનીય છે કે ISIS પહેલાં તે ‘સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)’ના પણ મુખ્ય પદ પર હતો. નાચન 1991થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેના પર અફઘાન જેહાદ દરમિયાન મુજાહિદ્દીન સાથે લડવાનો અને ભારતીય મુસ્લિમોને પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ માટે મોકલવાનો પણ આરોપ છે.