કોંગ્રેસના મુખપત્ર ‘નેશનલ હેરાલ્ડ’ પર રાહુલ ગાંધીના સમર્થનમાં લેખો લખાવીને નિર્ધારિત કિંમત ન ચૂકવવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ ટ્વિટર પર સક્રિય અને નેશનલ હેરાલ્ડનાં પૂર્વ એડિટોરિયલ કન્સલ્ટન્ટ સંજુક્તા બાસુએ લગાવ્યો છે.
સંજુક્તા બાસુએ સોમવારે (6 માર્ચ, 2023) એક ટ્વિટ કરીને કહ્યું કે નેશનલ હેરાલ્ડે રાહુલ ગાંધીના સમર્થનમાં લેખો લખવા માટે તેમને 3 હજાર રૂપિયા પ્રતિ લેખ આપવાનું વચન આપ્યું હતું પરંતુ પછી તેમને માત્ર 1 હજાર જ ચૂકવવામાં આવ્યા હતા.
ટ્વિટર પર ચર્ચા દરમિયાન સંજુક્તા બાસુએ ટ્વિટ કરીને કહ્યું કે, મારી પાસે પૈસા ન હોવાનું કહું તો ઘણાને આઘાતજનક લાગશે. મારી પબ્લિક ઇમેજ એવી છે કે એવું લાગે કે હું લાખો રૂપિયા કમાતી હોઈશ. ટ્રોલ્સને લાગે છે કે રાહુલ ગાંધીના સમર્થનમાં લેખો લખવા માટે નેશનલ હેરાલ્ડ મને લાખો રૂપિયા આપે છે. (પરંતુ) તેઓ મને 1 હજાર આપે છે. 3 હજારનું વચન આપવામાં આવ્યું હતું પણ ક્યારેય આખી રકમ ચૂકવવામાં આવી નહીં.
ઘણા ટ્વિટર યુઝરોએ આ ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક વ્યક્તિએ કટાક્ષ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીના સમર્થનમાં લેખ લખવા માટે 3 હજાર એ ખરેખર ઓછી રકમ છે, કારણ કે આ કામ સહેલું નથી.
Honestly 3k is too less for writing 'pro-RG' article. Not an easy task after all https://t.co/SK2GNv0qgc
— SacredLand (@MySacredLand) March 6, 2023
એક યુઝરે કહ્યું કે અહીં પણ ગોટાળો થયો અને 3 હજાર કહીને માત્ર 1 હજાર જ ચૂકવવામાં આવ્યા.
यहां भी घोटाला 3k बोलकर 1K?? https://t.co/HugjknJ92I
— Incognito राही।।🚩🚩 (@aanuj2103) March 6, 2023
શું છે નેશનલ હેરાલ્ડ?
ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના પહેલા વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા જવાહરલાલ નહેરુએ કરી હતી. હાલ તેની માલિકી ‘ધ એસોસિએટ જર્નલ્સ લિમિટેડ’ પાસે છે અને જેના માલિકી હકો ‘યંગ ઇન્ડિયન’ પાસે છે. આ ‘યંગ ઇન્ડિયન’ના માલિકો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી છે.
નેશનલ હેરાલ્ડની નાણાકીય બાબતોને લઈને માતા-પુત્ર સામે કેસ પણ ચાલી રહ્યો છે, જેને લઈને ગત વર્ષે તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. અખબાર 2008માં બંધ કરી દેવામાં આવ્યું ત્યારે તેની ઉપર 90 કરોડનું દેવું હતું.
વર્ષ 2011 માં કોંગ્રેસ પાર્ટીએ આ દેવું પોતાને માથે લઇ લીધું હતું, એટલે કે પાર્ટીએ 90 કરોડની લોન આપી હતી. જે બાદ પાંચ લાખ રૂપિયાથી યંગ ઇન્ડિયન કંપની બનાવવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ભાગીદારી 38-38 ટકા છે અને બાકીનો હિસ્સો કોંગ્રેસ નેતા મોતીલાલ વોહરા અને ઓસ્કાર ફર્નાન્ડિઝ પાસે છે. જે બાદ AJL કંપનીએ 10-10 રૂપિયાના નવ કરોડ શેર કંપની ‘યંગ ઇન્ડિયન’ને આપ્યા હતા અને તેના બદલામાં યંગ ઇન્ડિયને કોંગ્રેસની લૉન ચૂકવવાની હતી. 9 કરોડ શેર સાથે યંગ ઇન્ડિયનને કંપનીના 99 ટકા શૅર મળી ગયા હતા અને જે બાદ કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડની લૉન પણ માફ કરી દીધી હતી. આમ યંગ ઇન્ડિયનને સાવ મફતમાં AJL ની માલિકી પ્રાપ્ત થઇ ગઈ હતી.