Friday, November 22, 2024
More
    હોમપેજદેશસમ્મેદ શિખરજી પર પર્યટન-ઇકો ટૂરિઝમ પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક રોક લગાવાઈ: મોદી સરકારનો...

    સમ્મેદ શિખરજી પર પર્યટન-ઇકો ટૂરિઝમ પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક રોક લગાવાઈ: મોદી સરકારનો નિર્ણય, સમિતિની પણ રચના

    - Advertisement -

    ઝારખંડ સ્થિત જૈન ધર્મના પવિત્ર તીર્થસ્થળ ‘સમ્મેદ શિખરજી’ને લઈને થતાં વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ઝારખંડની રાજ્ય સરકારને નિર્દેશ આપીને તીર્થસ્થળની પવિત્રતા જાળવવા માટે પૂરતાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે તેમજ પર્યટન અને ઇકો-ટૂરિઝમ એક્ટિવિટી ઉપર રોક લગાવી દીધી છે. 

    કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે આજે જૈન સમુદાયના આગેવાનો સાથે એક બેઠક કરીને સમ્મેદ શિખરજી મામલે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠક બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, સમ્મેદ શિખરજી સહિતનાં જૈન તીર્થસ્થળોની પવિત્રતા જાળવી રાખવા અને તેમના અધિકારો જળવાય રહે તે માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પ્રતિબદ્ધ છે. 

    કેન્દ્ર સરકારે ઝારખંડ રાજ્ય સરકારને નિર્દેશ આપીને 2019ની અધિસૂચનામાં સંશોધન કરીને પર્યટન અને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા માટેનો આદેશ કર્યો છે. જેનું કડકપણે પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ઝારખંડ રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે. 

    - Advertisement -

    કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નિર્દેશ આપીને કહ્યું કે, પારસનાથ વન્યજીવ અભ્યારણ્યની પ્રબંધન યોજનાની જોગવાઈઓનું કડક પાલન કરવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે તીર્થક્ષેત્રમાં શરાબ કે માંસાહારી ખાદ્ય વસ્તુઓના વેચાણ અને ઉપયોગ ઉપર લગાવવામાં આવેલ પ્રતિબંધનો પણ કડક અમલ કરવામાં આવે તેવી સૂચના આપી છે. 

    સરકારના આદેશાનુસાર, પારસનાથ પર્વત ક્ષેત્ર પર શરાબ, ડ્રગ્સ અને અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરવું, તેજ સંગીત વગાડવું કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો, ધાર્મિક કે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોની પ્રાકૃતિક શાંતિ ભંગ કરવી કે અનધિકૃત કેમ્પિંગ કે ટ્રેકિંગ વગેરેની અનુમતિ આપવામાં આવશે નહીં. 

    કેન્દ્ર સરકારે આ ઇકો-સેન્સેટિવ ઝોનના નિરીક્ષણ માટે એક સમિતિની પણ રચના કરી છે, જેમાં જૈન સમુદાયના બે સભ્યો અને એક સ્થાનિક જનજાતીય સમયદાયના સભ્યને સ્થાયી સભ્યો તરીકે સ્થાન આપવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે ઝારખંડના ગિરિડીહ સ્થિત ‘સમ્મેદ શિખરજી’ જૈન ધર્મનું સૌથી પવિત્ર સ્થાન છે અને માન્યતા અનુસાર અહીં 24માંથી 20 તીર્થંકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. દર વર્ષે લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે, 27 કિલોમીટરમાં ફેલાયેલાં મંદિરોમાં ફરીને દર્શન કરે છે. ત્યારબાદ જ તેઓ અન્ન ગ્રહણ કરે છે. અહીંની માન્યતા એવી પણ છે કે જેવી રીતે ગંગામાં ડૂબકી લગાવવાથી તમામ પાપો નષ્ટ થઇ જાય છે તે જ રીતે અહીં પ્રાર્થના-દર્શન કરવાથી પણ તમામ પાપ નાશ પામે છે. 

    ઝારખંડ રાજ્ય સરકારે આ સ્થળને પર્યટન સ્થળ તરીકે ઘોષિત કર્યું હતું, જેને લઈને આ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. જૈન સમુદાયની માંગ છે કે સ્થળની પવિત્રતા જાળવી રાખવા માટે તેને પર્યટન સ્થળ ઘોષિત કરવામાં ન આવે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં