Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણMP ચૂંટણીમાં સીટ શેરિંગ માટે કોંગ્રેસે શરૂ કરી વાતચીત, પણ પછીથી પાણીચું...

    MP ચૂંટણીમાં સીટ શેરિંગ માટે કોંગ્રેસે શરૂ કરી વાતચીત, પણ પછીથી પાણીચું પકડાવી દીધું: સપા લાલઘૂમ, મોટા ઉપાડે બનાવાયેલા I.N.D.I ગઠબંધનનું ભવિષ્ય ધૂંધળું

    ગઠબંધન દેશની ચૂંટણી માટે છે. દેશની ચૂંટણી આવશે ત્યારે વાત થશે. પરંતુ આ સવાલ વિશ્વસનીયતાનો છે. જો કોંગ્રેસ આવો જ વ્યવહાર કરશે તો કોણ તેમની સાથે ઊભું રહેશે?: અખિલેશ યાદવ

    - Advertisement -

    પીએમ મોદીને સત્તા પરથી દૂર કરવા માટે મોટા ઉપાડે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ હવે વિપક્ષી પાર્ટીઓ અંદરોઅંદર જ ખેંચતાણ કરવા માંડી છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સીટ-શૅરિંગને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ એકબીજા સામે તલવાર ખેંચી છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, જેઓ એક સમયે એક સંયુક્ત બેઠકનો ભાગ હતા, તેઓ હવે એકબીજાની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. 

    વાસ્તવમાં મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I હેઠળ એક સમજૂતી થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને 9 બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરવા દીધી અને સપાએ પહેલી યાદી પણ જાહેર કરી દીધી. પરંતુ ત્યારપછી ખેંચતાણ શરૂ થઈ ગઈ અને બુધવારે જ્યારે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી તો તેમ આ બેઠકો પર પણ પોતાના ઉમેદવારો ઉતારી દીધા.

    કોંગ્રેસે પહેલાં કહેવું જોઈતું હતું, હવે તેઓ UP આવશે ત્યારે તેઓ જ વ્યવહાર થશે

    કોંગ્રેસે યાદી જાહેર કર્યા બાદ સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા નેતાએ બેઠક બોલાવી અને સમાજવાદી પાર્ટીને પૂછયું અને અમે તમામ વિગતો આપી કે ભૂતકાળમાં કઈ બેઠકો પર કેટલા સપાના નેતાઓ જીત્યા હતા અને ક્યાં અમે નંબર 2 પર રહ્યા. તેમણે રાત્રે 2 વાગ્યા સુધી સમાજવાદી પાર્ટીના નેતાઓને જગાડ્યા અને વાતચીત કરી, આંકડાઓ જોયા અને આશ્વાસન આપ્યા કે અમે 6 બેઠકો પર વિચાર કરીશું, પણ યાદી જાહેર કરવામાં આવી ત્યારે સમાજવાદી પાર્ટી શૂન્ય રહી. 

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું, “જો આ પહેલેથી ખબર હોત કે વિધાનસભા સ્તર પર કોઇ I.N.D.Iનું ગઠબંધન નથી, તો અમે કોંગ્રેસના લોકોને મળવા ગયા હોત, ન યાદી આપી હોત કે ન ફોન ઉઠાવ્યા હોત. જો તેઓ કહી રહ્યા છે કે ગઠબંધન નથી, તો અમે સ્વીકારીએ છીએ. પરંતુ જ્યારે ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર માટે (લોકસભા ચૂંટણી માટે) ગઠબંધનની વાત આવશે ત્યારે વિચાર કરવામાં આવશે અને જેઓ વ્યવહાર અમારી સાથે થશે તેવો જ વ્યવહાર તેમની સાથે પણ અહીં (યુપીમાં) થશે.”

    ત્યારબાદ 20 ઓક્ટોબરે અખિલેશ યાદવે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કરવું જોઈતું હતું. તમારે બેઠકો નહતી આપવી તો સમાજવાદી પાર્ટી સાથે વાત કરવી જોઈતી ન હતી. તેમણે પહેલેથી જ કહ્યું હોત કે તમે તમારી રીતે લડો અને જે સહયોગ જોઈએ એ માગ્યો હોત તો કદાચ સમાજવાદી પાર્ટી સાથે ઉભી હોત. પરંતુ તેમણે કોઇ જાણકારી ન આપી કે ન સમાજવાદી પાર્ટીને લાયક સમજી. જેથી સપા હવે ત્યાં જ લડી રહી છે ત્યાં સંગઠન મજબૂત છે. 

    તેમણે આગળ કહ્યું, ગઠબંધન દેશની ચૂંટણી માટે છે. દેશની ચૂંટણી આવશે ત્યારે વાત થશે. પરંતુ આ સવાલ વિશ્વસનીયતાનો છે. જો કોંગ્રેસ આવો જ વ્યવહાર કરશે તો કોણ તેમની સાથે ઊભું રહેશે? ભાજપ મોટી પાર્ટી છે, સંગઠિત છે. જેથી તેનો સામનો કરવા માટે કોઇ પણ પાર્ટીમાં કોઇ મૂંઝવણ ન હોવી જોઈએ. જો મૂંઝવણ સાથે ચૂંટણી લડશો તો ક્યારેય સફળ નહીં થશો.

    ‘અરે છોડો અખિલેશ-વખિલેશ’: કમલનાથ

    બીજી તરફ, કોંગ્રેસ નમતું મૂકવાના મૂડમાં નથી. એમપીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવનો પ્રશ્ન સંપૂર્ણ રીતે ટાળી દીધો હતો. તેઓ કોઇ કાર્યક્રમ કે બેઠકમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે પત્રકારોએ ઘેરી લીધા અને પ્રશ્નો પૂછવા માંડ્યા હતા. 

    ટિકીટ ફાળવણી બાદ રાજ્યમાં કેવો માહોલ છે તેમ પૂછવામાં આવતાં કમલનાથે કહ્યું કે, માહોલ ઉત્સાહજનક છે અને આખા રાજ્યમાંથી ફોન આવી રહ્યા છે અને અમે જરૂર જીતીશું. ત્યારબાદ પત્રકારે અખિલેશ યાદવના આરોપો વિશે પ્રશ્ન પૂછ્યો તો કમલનાથ ‘અરે ભાઈ છોડો અખિલેશ-વખિલેશ’ કહીને સવાલ ટાળતા નજરે પડ્યા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં