સાળંગપુર મંદિરે હનુમાનજીનાં ભીંતચિત્રોને લઈને શરૂ થયેલો વિવાદ ચરમસીમાએ છે. સોશિયલ મીડિયામાં હનુમાનજીના અપમાન મુદ્દે ભારે વિરોધ થઇ રહ્યો છે તો હિંદુ સંગઠનો, સંસ્થાઓ અને સાધુ-સંતો પણ આગળ આવ્યા છે. દરમ્યાન, સાળંગપુર મંદિરે જ્યાં પ્રતિમા સ્થિત છે ત્યાં આજે થોડી ક્ષણો માટે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
Distortion of Hanuman Ji by Vadtal branch of Swaminarayan sect in Salangpur: An agitated Hindu man applies black paint over controversial murals, and attacks them with a stick. Police have nabbed him. https://t.co/MbJYpVR8sM pic.twitter.com/iIVcTlskEY
— DeshGujarat (@DeshGujarat) September 2, 2023
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ સાળંગપુર સ્થિત હનુમાનજીની વિશાળ પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ની નીચે લગાવવામાં આવેલાં ભીંતચિત્રો પર લાકડી વડે પ્રહાર કરતા જોવા મળે છે. પ્રતિમાની ફરતે બેરિકેડ નજરે પડે છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે તેઓ બેરિકેડ કૂદીને પ્રતિમા સુધી પહોંચી ગયા હતા. અહેવાલોમાં એમ પણ જણાવાયું હતું કે ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ વિવાદિત ચિત્રોને કાળો કલર પણ લગાવી દીધો હતો. થોડી ક્ષણો માટે મંદિરે હોબાળો મચી ગયો હતો.
વિડીયોમાં જોવા મળ્યા અનુસાર, થોડીવારમાં બે પોલીસકર્મીઓ ત્યાં પહોંચીને અટકાયત કરી લે છે. આ વ્યક્તિની ઓળખ રાણપુરના હર્ષદ ગઢવી તરીકે થઇ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ અંગે બોટાદ એસપીએ જણાવ્યું હતું કે, મંદિરમાં પોલીસ બંદોબસ્ત છે જ પરંતુ વિશાળ પરિસર છે અને તેની બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે. હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છુપાઈને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયા હતા, જ્યાંથી પોલીસે તેમને ઝડપી લીધા. તેમની સાથે બીજું કોણ-કોણ આવ્યું હતું અને કઈ રીતે અહીં પહોંચ્યા હતા તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, ભીંતચિત્રો મુદ્દે વિરોધ હોય તો મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરીને તેનો નિવેડો લાવવો જોઈએ, કાયદો હાથમાં લેવામાં આવે તો પોલીસ જરૂરી કાર્યવાહી કરશે જ. તેમના જણાવ્યા અનુસાર, હાલ 75 પોલીસ જવાનો બંદોબસ્ત માટે હાજર છે અને ફરતે બેરિકેડ કરી દેવામાં આવ્યા છે.
વિવાદ શું છે?
આ વિવાદ લગભગ એક સપ્તાહ પહેલાં શરૂ થયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર સાળંગપુર સ્થિત હનુમાનજીની પ્રતિમા ‘કિંગ ઑફ સાળંગપુર’ની નીચે લગાવવામાં આવેલાં અમુક ભીંતચિત્રોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. આ ફોટોગ્રાફ્સમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયોના સ્થાપક સહજાનંદ સ્વામીના કિશોરાવસ્થાના સ્વરૂપ નીલકંઠવર્ણીને પ્રણામ બતાવવામાં આવ્યા છે. સનાતનમાં આરાધ્ય દેવનું સ્થાન ધરાવતા હનુમાનજીના અપમાનથી ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો અને વિવાદ અહીં સુધી પહોંચ્યો છે.