રશિયા-યુક્રેન યુદ્ધ ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. ત્યારથી અત્યારસુધી રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરો પર બોમ્બમારો કરીને વિનાશ વેર્યો છે. જોકે, યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ ભૂલથી પોતાના જ વિસ્તારમાં બોમ્બ ઝીંક્યો હોવાનું સામે આવ્યું છે. આ માહિતી રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ કોઈ નાની ભૂલ નથી.
રશિયાના શહેરની ઈમારતો, કારને નુકસાન, લોકો ઘાયલ થયા
રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ, એક રશિયન ફાઈટર પ્લેને યુક્રેનની નજીક આવેલા તેના જ શહેર બેલગોરોદમાં ભૂલથી બોમ્બ ફેંકી દીધો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. ધમાકાને કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. આ સાથે ઘરની બારીઓનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કારને પણ નુકસાન થયું હતું. છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલા યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ પહેલી વખત આવી ભૂલ કરી છે.
ગુરુવારે (20 એપ્રિલ 2023) મોડી રાત્રે બેલગોરોદમાં એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ બ્લાસ્ટ રશિયન ફાઈટર જેટના કારણે જ થયો છે. બેલગોરોદ સિટી યુક્રેનની સરહદની એકદમ નજીક છે એટલે રશિયાએ ભૂલથી પોતાના જ વિસ્તારમાં ધમાકો કર્યો હતો.
બેલગોરોદના રસ્તા પર 65 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રશિયન એરફોર્સનું ફાઈટર પ્લેન સુખોઈ એસયુ 34 બેલગોરોદ શહેરની ઉપર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે પ્લેનમાંથી ભૂલથી બોમ્બ પડી ગયો હતો. બેલગોરોદના પ્રાદેશિક ગવર્નર, વ્યાચેસ્લાવ ગ્લેડકોવે જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે રસ્તા પર 20-મીટર (65 ફૂટ) ઊંડો ખાડો પડી ગયો હતો.
રહેવાસીઓને હોટેલમાં ખસેડવામાં આવશે
રશિયન ન્યુઝ એજન્સી મુજબ, આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 10:15 વાગ્યે બની હતી. ગ્લેડકોવે કહ્યું કે, એક મહિલાને માથા પર ઈજા થઈ છે એટલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક મહિલાને ઘટનાસ્થળે જ સારવાર અપાઈ હતી. ક્ષતિગ્રસ્ત ઈમારતોના રહેવાસીઓને અસ્થાયી રૂપે હોટેલમાં ખસેડવામાં આવશે તેવું બેલગોરોદના મેયર ડેમિદોવે જણાવ્યું હતું.
રશિયા અને યુક્રેન યુદ્ધ શરુ થયું ત્યારથી વિનાશનો ભોગ બન્યું છે બેલગોરોદ
ફેબ્રુઆરી 2022માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈનિકો મોકલ્યા ત્યારથી જ બેલગોરોદના પ્રદેશ પર વારંવાર હુમલો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરીમાં ગ્લેડકોવે પુતિનને કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ક્ષેત્રમાં 25 લોકો માર્યા ગયા છે અને 90થી વધુ ઘાયલ થયા છે.