ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આજે પ્રથમ ચરણ માટે મતદાન થયું હતું. ઉમેદવારો પોતાના મતવિસ્તારોમાં મતદારોને રિઝવવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. મેરઠમાં પણ આવો જ કિસ્સો સામેઆવ્યો છે. તાજેતરમાં મતદારોને ખુશ કરવા માટે મેરઠમાં બિરયાની પાર્ટી રાખવામાં આવી હતી. જોકે, આ બિરયાની ઓછી પડતાં લોકો આખેઆખું વાસણ લૂંટીને ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો કોઈએ વિડીયો લઈ લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
બિરયાનીની મિજબાની અવ્યવસ્થામાં પલટાઈ ગઈ, લોકો આખેઆખો ઘડો લઈને ભાગ્યા
બુધવારે રાત્રે મેરઠમાં બિરયાની પાર્ટી યોજાઈ હતી જે મિજબાનીથી અવ્યવસ્થામાં પલટાઈ ગઈ હતી. શહેરના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ-80માં બિરયાનીની મહેફિલનું આયોજન થયું હતું. ધવાઈ નગરના રહેવાસી અને સપા કાઉન્સિલર ઉમેદવાર હનીફા અંસારી મેરઠ પોલીસ સ્ટેશનના નૌચંડી વિસ્તારના વોર્ડ 80થી ચૂંટણી લડી રહ્યા છે. મતદારોને રિઝવવાના પ્રયાસમાં તેમણે બુધવારે બિરયાની તૈયાર કરી હતી અને મિજબાનીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જોકે બિરયાની ખતમ થઈ જતાં પાર્ટીમાં રમૂજી વળાંક આવ્યો હતો અને લોકો બિરયાનીનો ઘડો લઈને ભાગવા લાગ્યા હતા.
#BreakingNews: मेरठ में चुनाव प्रचार के दौरान बिरयानी लूट का एक वीडियो सामने आया है.
— Zee News (@ZeeNews) May 4, 2023
▶️ समाजवादी पार्टी के प्रत्याशी के द्वारा बिरयानी की दावत का आयोजन किया गया था.
▶️ खाना कम पड़ने पर लोगों में बिरयानी की लूट मच गई#Meerut #UPNikayChunav @ramm_sharma pic.twitter.com/6yXJx2EE0k
આસપાસના વિસ્તારોમાંથી લોકો બિરયાનીનો સ્વાદ લેવા આવ્યા હતા
બિરયાની પાર્ટીમાં બહુ બધી બિરયાની તૈયાર કરવામાં આવી હતી જેથી કોઈ કમી ન રહે. પરંતુ, ભીડ એટલી વધી ગઈ હતી કે બિરયાની ઓછી પડી ગઈ અને ખાવા માટે ઝપાઝપી થવા લાગી. સ્થાનિક લોકોએ એકબીજાને જણાવ્યું કે વોર્ડ-80માં બિરયાનીની મહેફિલ છે. આ સમાચાર ધીમે-ધીમે આસપાસના વિસ્તારોમાં પણ પહોંચ્યા હતા.
લોકો પોલિથીનમાં બિરયાની ભરીને લઈ જવા માંડ્યા હતા
જેમ લોકોને બિરયાની પાર્ટીની ખબર પડી એમ તેઓ પાર્ટીના સ્થળે પહોંચી ગયા હતા. મોટાભાગના લોકો પોતાના આખા પરિવારને લઈને આવ્યા હતા. શરૂઆતમાં લોકો બિરયાની ખાઈને પોલિથીનમાં ભરીને લઈ જતાં જોવા મળ્યા હતા. આ જ કારણ હતું કે ત્યાં ભોજન ઓછું પડ્યું હતું. છેલ્લે જ્યારે બિરયાની ખૂટી ગઈ અને લોકોને ખાવા ન મળ્યું તો તેઓ બિરયાનીનું વાસણ લઈને જ ભાગવા લાગ્યા હતા.
મહેમાનો વચ્ચે બિરયાનીના વાસણને લઈને થયેલી ઝપાઝપી લાંબા સમય સુધી ચાલી હતી. આ વાયરલ વિડીયો નૌચંડી પોલીસ સ્ટેશનના ધ્યાનમાં આવતા પોલીસ આરોપી ઉમેદવાર વિરુદ્ધ આચારસંહિતાના ભંગનો ગુનો દાખલ કરે તેવી શક્યતા છે.
#Meerut: मेरठ में BSP प्रत्याशी ने उडाई आचार संहिता की धज्जियां, BSP प्रत्याशी समर्थकों को दे रहे नोटो के मंडल, नोटों के बंडलों के साथ प्रत्याशी का वीडियो वायरल, BSP के मेयर प्रत्याशी हैं हशमत मलिक, वोटरो को नोटो के बटने की बात बताई जा रही। @meerutpolice @Uppolice @BSP4India pic.twitter.com/gjP2w7lFPQ
— Raju Sharma journalist (@RajuSharmajour1) May 1, 2023
બે દિવસ પહેલા બસપાના મેયર ઉમેદવાર પર થયો હતો કેસ
સોમવારે (1 મે, 2023) બસપાના મેયર ઉમેદવાર હશમત મલિકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમના એક સમર્થક નોટોના બંડલ લઈ જઈ રહ્યા હતા, જેની કિંમત 5,00,000 હોવાનો અંદાજ છે. આ વિડીયો ધ્યાનમાં આવ્યા બાદ લિસાડી ગેટ પોલીસે ઉમેદવાર સામે આચારસંહિતાના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો. એ પછી પણ આવી ઘટનાઓ છાશવારે બની રહી છે.