અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલ ખાતે RMOની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. તેના પર સોશિયલ મીડિયામાં હોસ્પિટલને બદનામ કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપી ડો. કૌશિક બારોટે ખોટા આઈડી પરથી હોસ્પિટલને બદનામ કરતું લખાણ લખ્યુ હતું.
લાંબા સમયથી સોશિયલ મીડિયામાં આ સંસ્થા અને તેની સાથે જોડાયેલ લોકોને બદનામ કરતી પોસ્ટ જોવામાં આવ્યા કરતી હતી. જે મામલે યુ એન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલે સાઇબર ક્રાઇમને ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે, કૌશિક બારોટ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતો હતો.
#Gujarat Police’s Cyber Cell unit held RMO of UN Mehta Hospital for allegedly damaging hospital reputation on social media #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/2QQJM4Ifdh
— Tv9 Gujarati (@tv9gujarati) May 26, 2022
તપાસમાં સામે આવ્યું કે, ડો. બારોટ બીજાના નામે સીમકાર્ડ રાખતો હતો. તેમજ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતો હતો કે ફોન કરવાથી સામેવાળી વ્યક્તિને મોબાઈલ નંબર ન દેખાય. એટલુ જ નહિ, સામી વ્યક્તિને યુવકને બદલે યુવતીનો અવાજ સંભળાતો હતો. પોતાનું નામ બહાર ન આવે એ ધ્યાનમાં રાખીને આરોપી આ રીતે હોસ્પિટલની બદનામી કરતો હતો.
અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલને અને અમુક ખાસ લોકોને બદનામ કરવાના ઇરાદે થઈ રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે સાઇબર ક્રાઇમ અમદાવાદને ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અંગે તપાસ કરતા સામેં આવ્યું હતું કે હોસ્પિટલ અંગે બદનામી કરતું લખાણ અન્ય કોઈએ નહી પણ આ હોસ્પિટલના જ એક કર્મચારી દ્વારા લખવામાં આવ્યું છે. જેને પગલે હોસ્પિટલના ડાયરેક્ટર આર કે પટેલે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી યુ એન મહેતા હોસ્પિટલ ખાતે RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં ડો. કૌશિક બારોટ વિરુદ્ધ આરોપ લાગ્યો હતો કે સોશિયલ મીડિયા મારફતે ખોટા નામે એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતી પોસ્ટ ડોકટર દ્વારા વાઇરલ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડો.કૌશિક બારોટે બીજાના નામે સિમકાર્ડ પણ ખરીદેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે.
નોંધનીય છે કે આરોપી ડોકટરના મોબાઈલ તપાસતા એક ખાસ પ્રકારની વોઇસ ચેન્જર એપ્લિકેશન પણ વાપરતો હોવાની માહિતી મળી હતી. ડોકટરે સોશિયલ મીડિયામાં ‘હોસ્પિટલ ડિરેક્ટર અને યુ એન મહેતા હોસ્પિટલમાં સારી સારવાર નથી કરતાં માટે અહિયાં સારવાર માટે ના આવવું’ એવું લખેલું હતું જેથી ધરપકડ કરી સાઇબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા ગત વર્ષે પણ આ જ સંસ્થા સાથે જોડાયેલો આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બી જે મેડિકલ કોલેજમાથી ભણેલ અને હિંમતનગર ખાતે હાર્ટ હોસ્પિટલ ચલાવનાર ડો. રોનક શાહની ધરપકડ અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા કરાઇ હતી. ડો. શાહ પર આરોપ હતો કે તે યુ એન મેહતા હોસ્પિટલ નામનું પેજ ચલાવતો હતો અને એના પરથી લોકો ગેરમારગે દોરે અને હોસ્પિટલ બદનામ થાય એવી પોસ્ટ મૂકતો હતો.