છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર (POK)માં કશું એવું થયું છે જેનાથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. POKમાં શારદાપીઠ કોરીડોર બનાવવા માટે POK વિધાનસભામાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કોરીડોર બનાવવાની માંગ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલા એક પ્રસ્તાવથી ઘણો ખરો મેળ ખાય છે. લગભગ એક અઠવાડિયા પહેલા જ અમિત શાહે POK સ્થિત શારદાપીઠ સુધી એક રસ્તો બનાવવા માટેની વાત કરી હતી.
અમિત શાહે કરેલી વાત બાદ POKની વિધાનસભામાં મુકવામાં આવેલા આ પ્રસ્તાવથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ગત 29 માર્ચે સત્તામાં રહેલી તહરીક-એ-ઈન્સાફના નેતા જાવેદ બટ તરફથી POKમાં શારદાપીઠ કોરીડોર બનાવવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તેમણે મુકેલા પ્રસ્તાવ મુજબ માંગ કરવામાં આવી છે કે જે પ્રમાણે કરતારપુર કોરીડોર બનાવવામાં આવ્યો છે, તેવી જ રીતે અહી પણ એક કોરીડોર બનાવવામાં આવે, જેથી ભારતના કાશ્મીર અને અહીના લોકો એક બીજાને મળી શકે.
આ બધા વચ્ચે સેવા શારદા કમિટીએ આ નિણર્ય પર રાજીપો જાહેર કર્યો છે. તેમણે POK વિધાનસભાના પ્રસ્તાવનું સ્વાગત કરતા કહ્યું હતું કે 75 વર્ષ બાદ શારદા માતા પીઠના દર્શનની આશા જાગી છે. વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષનું ફળ મળવા જઈ રહ્યું છે. નોંધનીય છે વર્ષ 2006માં કમિટીએ તત્કાલીન કેન્દ્ર સરકાર અને પાકિસ્તાન સરકાર પાસે શારદા માતા પીઠ માટે કોરીડોર શરું કરવાની માંગ કરતો પત્ર લખ્યો હતો.
આ તમામ ઘટનાઓમાં સહુથી વધુ અચરજ પમાડે તેવી વાત તે છે કે POK વિધાનસભામાં કોરીડોર બનાવવાનો પ્રસ્તાવ લાવવા વાળી પાર્ટી એજ શેખ રશિદની પાર્ટી છે જે સમયાંતરે ભારત પર પરમાણું હુમલાની ધમકી આપતા રહે છે. અને તેમની પાર્ટી અવામી મુસ્લિમ લીગ દ્વારા આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગત માર્ચ મહિનાની 22 તારીખે જમ્મુ કશ્મીરના કુપવાડામાં LOC પાસે 75 વર્ષથી બંધ પડેલા શારદા મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં હતા. આ સમયે સેવા શારદા સમિતિના અધ્યક્ષ રવીન્દ્ર પંડિતા દ્વારા POK સ્થિત શારદાપીઠ સુધી કોરીડોર બનાવવાની માંગ મૂકી હતી. જેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કરતારપુર કોરીડોરની જેમ જ શારદાપીઠ કોરીડોર બનાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે.
શારદા પીઠ 18 મહાશક્તિપીઠો માંનું એક
ઉલ્લેખનીય છે કે શારદા પીઠ, શ્રીનગરથી 130 કિમીના અંતરે સ્થિત છે, જે દેવીના 18 મહાશક્તિપીઠો માંથી એક છે. હિંદુ માન્યતાઓ અનુસાર દેવી સતીનો જમણો હાથ અહીં પડ્યો હતો. કશ્યપ ઋષિના નામ પરથી આ મંદિર કશ્યપપુર તરીકે પણ ઓળખાતું હતું. શારદાપીઠમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વૈદિક કાળમાં તેને શિક્ષણનું કેન્દ્ર પણ કહેવામાં આવતું હતું.
એક માન્યતા તેવી પણ છે કે પાણિનિ ઋષિએ અહીં તેમના અષ્ટધ્યાયીની રચના કરી હતી. આ શારદાપીઠ શ્રી વિદ્યા સાધનાનું મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. શૈવ સંપ્રદાયની શરૂઆત કરનાર આદિ શંકરાચાર્ય અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક રામાનુજાચાર્ય બંનેએ અહીં મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી કરી હતી. શંકરાચાર્ય અહીં સર્વજ્યપીઠમ પર વિરાજમાન હતા, જ્યારે રામાનુજાચાર્યએ અહીં બ્રહ્મસૂત્રો પર પોતાની સમીક્ષા લખી હતી.