રાહુલ ગાંધીએ મોદી સમાજ વિશે ટિપ્પણી કરતાં તો કરી નાંખી હતી પરંતુ હવે તેમને એ જ વાક્યો ભારે પડી રહ્યાં છે. ગત માર્ચમાં સુરતની કોર્ટે સજા સંભળાવી હતી તો બીજી તરફ, ઝારખંડના રાંચીમાં પણ એક કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં રાંચીની MP/MLA કોર્ટે કોંગ્રેસ નેતાને મોટો ઝાટકો આપ્યો છે.
Jharkhand | MP/MLA court in Ranchi rejects Congress leader Rahul Gandhi's plea for exemption from personal appearance in 'Modi Surname case'. A defamation case was filed against him by a person named Pradeep Modi in Ranchi.
— ANI (@ANI) May 3, 2023
(File Pic) pic.twitter.com/Ub33s9VpJS
રાંચીની MP/MLA કોર્ટમાં મોદી સમાજ વિશેની ટિપ્પણી મામલે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. જેમાં તેમણે એક અરજી કરીને વ્યક્તિગત રીતે હાજર થવામાં છૂટ આપવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. જેથી હવે જ્યારે પણ કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવે ત્યારે રાહુલે કોર્ટમાં હાજર રહેવું પડશે.
આ કેસ પ્રદીપ મોદી નામના એક વ્યક્તિએ દાખલ કર્યો છે. રાહુલ ગાંધીએ રેલીમાં મોદી સમાજને લઈને ટિપ્પણી કર્યા બાદ 2019માં તેમણે રાંચીની કોર્ટમાં ફરિયાદ કરી હતી. અરજીમાં તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની ટિપ્પણીઓ મોદી અટક ધરાવતા તમામ લોકો માટે આપત્તિજનક અને અપમાનજનક છે.
વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક સભા સંબોધતાં આ ટિપ્પણીઓ કરી હતી. તેમણે નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીનાં નામ લઈને કહ્યું હતું કે, આ બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? આ ટિપ્પણીઓને લઈને જ સુરતમાં ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ કેસ કર્યો હતો, જેનો ચુકાદો તાજેતરમાં જ આપવામાં આવ્યો હતો.
સુરતની કોર્ટે સંભળાવી છે 2 વર્ષની સજા
સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ માનહાનિના કેસમાં દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, પછીથી ઉપરની કોર્ટમાં જવા માટે જામીન આપી દેવાયા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટના આ ચુકાદાને રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને સજા પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલની આ અરજી ફગાવી દીધી હતી અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો.
સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જ્યાં હાલ કેસ ચાલી રહ્યો છે. તેમણે દોષસિદ્ધિ પર સ્ટે મૂકવા માટે માંગ કરી છે, જે અરજી પર બંને પક્ષે સુનાવણી 2 મે 2023ના રોજ પૂર્ણ કરી લેવામાં આવી હતી. કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે અને વેકેશન બાદ જૂન મહિનામાં નિર્ણય આપશે. ત્યાં સુધી રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો.