રક્ષામંત્રી રાજનાથ સિંહે સોમવારે (26 જૂને, 2023) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) વિશે બહુ અગત્યનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, ગેરકાયદેસર રીતે કબ્જો કરી લેવાથી POK ઉપર પાકિસ્તાનનો કોઈ અધિકાર થઇ જતો નથી અને તે ભાગ ભારતનો અભિન્ન હિસ્સો પહેલાં પણ હતો અને ભવિષ્યમાં પણ રહેશે. તેમણે જાહેરમંચ પરથી પાકિસ્તાનને લલકારીને કહ્યું કે, પાકિસ્તાન પોતાનું ઘર સંભાળે અને દુનિયામાં કાશ્મીરનો રાગ આલાપીને તેમને કશું જ હાંસલ થશે નહીં.
રક્ષામંત્રી જમ્મુમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે કાશ્મીર મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરી દીધું તો બીજી તરફ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો જ હિસ્સો પહેલાં પણ હતો, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. જેને લઈને દેશની સંસદમાં એક સર્વસંમતિથી પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે.
#WATCH | A large part of Jammu and Kashmir is under the occupation of Pakistan. The people there are seeing that on the Indian side, people are living their lives peacefully but injustice is being done to them by the Pakistan government…POK (Pakistan Occupied Kashmir) is, was… pic.twitter.com/AEbARYuoTu
— ANI (@ANI) June 26, 2023
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, POK માટે કંઈ વધુ કરવાની જરૂર નહીં રહે અને ત્યાંના લોકો જ એવી માંગ ઉઠાવશે કે અમારે ભારત સાથે જોડાવું છે. તેમણે કહ્યું, “તમે જોઈ રહ્યા છો કે પીઓકેમાં શું થઇ રહ્યું છે. મને લાગે છે કે આપણે બહુ કંઈ વધારે કરવાની જરૂર નહીં રહે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકો પર જે જુલમ વરસાવવામાં આવી રહ્યો છે, તેને જોતાં ત્યાંથી જ એવી માંગ ઉઠશે કે અમારે ભારત સાથે સામેલ થઇ જવું છે. તમે જોયું હશે, ઘણીવાર ત્યાંના લોકો નારા લગાવી રહ્યા છે કે અમારે ભારત સાથે જોડાવું છે. આ કંઈ નાની વાત નથી.” તેમણે કહ્યું કે, “પીઓકેના લોકો જોઈ રહ્યા છે કે ભારતમાં લોકો શાંતિથી જીવન જીવી રહ્યા છે, જ્યારે ત્યાં પાકિસ્તાની સરકાર દ્વારા તેમની ઉપર જુલમ કરવામાં આવે છે.”
રક્ષામંત્રીએ કહ્યું કે, ભારત આજે વિશ્વના દેશોનું આતંકવાદ પ્રત્યેનું વલણ બદલવામાં સફળ રહ્યું છે. તેમણે તાજેતરની વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા અને તેમની રાષ્ટ્રપતિ બાયડન સાથેની મુલાકાત બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનને ટાંકીને કહ્યું કે, તેમાં પણ બંને દેશોએ કહ્યું છે કે, પાકિસ્તાન તેની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં કરે અને 26/11 અને પઠાણકોટ હુમલાના દોષીઓ ઉપર યોગ્ય કાર્યવાહી કરે. ઉપરાંત, ટેરર ફન્ડિંગ પર પણ લગામ લગાવવાની વાત કહેવામાં આવી હતી, જેનો પણ રક્ષામંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.