રાજકોટમાં શનિવારે (26 ઓગસ્ટ, 2023) ગણપતિની મૂર્તિ બનાવતા હિંદુ પરિવાર પર મુસ્લિમ શખ્સોએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓ અમીન, રફીક અને સમીરની ધરપકડ કરી લીધી હતી.
આ મામલે મૂળ રાજસ્થાનના અને રાજકોટ રહીને ગણપતિની મૂર્તિઓ બનાવવાનું કામ કરીને ગુજરાન ચલાવતા કિશન રાઠોડે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
ઘટનાની વિગતો એવી છે કે, કિશન રાઠોડ રાજકોટના ઢોલરા રોડ પર શક્તિનગર ગુરુકૃપા કારખાનાની બાજુમાં આવેલા એક વંડો ભાડે રાખીને પરિવાર સાથે રહે છે અને અહીં જ ગણપતિની મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે. આ જગ્યાના માલિક ઈરફાન સાંધ નામના એક વ્યક્તિ છે. હિંદુ પરિવાર અહીં છેલ્લા ત્રણ મહિનાથી રહીને મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે.
ફરિયાદ અનુસાર, ગત 26 ઓગસ્ટના રોજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં તેઓ મૂર્તિઓનું કલરકામ કરતા હતા તે સમયે રાજકોટના જ રસુલપુરા વિસ્તારમાં રહેતો અમીન હબીબ સમા, તેના બે સાથીઓ સાથે ત્યાં આવી પહોંચ્યો અને ગાળાગાળી કરવા માંડ્યો હતો. આ ત્રણેયે ‘તમે અહીં વંડામાં કેમ રહો છો?’ અને ‘ગણપતિની મૂર્તિઓ કેમ બનાવો છો?’ કહીને ગાળો આપીને મૂર્તિઓ તોડવાનું શરૂ કરી દીધું હતું.
અચાનક આવી ચડેલા ત્રણેય શખ્સોએ મૂર્તિઓની તોડફોડ શરૂ કરી દેતાં હિંદુ પરિવારે તેમને તેમ કરવાની ના પાડી હતી અને પોતાને છોડી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ ઉશ્કેરાઈ ગયેલા અમીન અને તેના સાથીઓએ તેમની સાથે પણ મારપીટ શરૂ કરી દીધી હતી અને કિશનના સાળાને લોખંડના પાઇપના ફટકા મારી દીધા હતા. આખરે પરિસ્થિતિ વધુ વણસતાં કિશને વંડાના માલિક ઈરફાન સિદ્દીકીના ભાભી નસીમબેનને ફોન કર્યો હતો, જેઓ પણ ત્યાં આવી પહોંચતાં અમીન અને તેના સાથીઓએ તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી અને તેમના વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આખરે કિશને 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરતાં એક ટીમ આવી પહોંચી હતી. જેને જોઈને હુમલો કરનારાઓ ભાગી છૂટ્યા હતા.
પોલીસે કિશન રાઠોડની ફરિયાદ નોંધીને IPCની કલમ 447, 294 (b), 323, 295, 427 અને 114 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમની ઓળખ અમીન હબીબ સમા, રફીક ઇસ્માઇન મન્સૂરી અને સમીર યુસુફ શાહમદાર તરીકે થઇ છે.
પીડિતે ઑપઇન્ડિયાને આપવીતી જણાવી
આ હુમલાના પીડિત કિશન રાઠોડે ઑપઇન્ડિયા સાથે પણ વાત કરી અને આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું કે તેમની આ ત્રણેય સાથે કોઈ પ્રકારની દુશમની નથી અને હુમલો કેમ કરી દીધો તેની ખબર નથી. આ ઉપરાંત, તેમણે એ પણ જણાવ્યું કે ટોળાએ પહેલાં તેમના વંડાની બહાર આવેલા ડેલામાં પથ્થરમારો કર્યો હતો અને ગાળાગાળી કરીને ધમકીઓ આપી હતી. ત્યારબાદ આવીને હુમલો કરી દીધો હતો.
ઘટના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “રાત્રે નવ-સાડા નવની આસપાસ અમે જમીને કામ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન નજીકની શેરીમાં કેટલાક લોકોનું ટોળું મોટેમોટેથી બૂમાબૂમ કરીને ગાળાગાળી કરી રહ્યું હતું. થોડીવાર પછી તેમણે અમારા વંડાની પાછળના એક ડેલા પર પથ્થર માર્યા અને ‘બહાર નીકળો, બહાર નીકળો..’ તેમ કહીને અમને ધમકીઓ આપી હતી. ત્યાં તાળું માર્યું હતું પણ આગળનો ડેલો અમે ચાલુ રાખ્યો હતો. થોડીવારમાં તેઓ ત્યાં આવી ચડ્યા અને ધમાલ કરવા માંડ્યા હતા.”
આગળ જણાવ્યું કે, “અંદર આવીને તેઓ મારા એક કારીગર સાથે મારપીટ કરવા માંડ્યા અને તેને ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ મેં વચ્ચે પડીને તેને છોડાવ્યો અને વિનંતી કરી કે તેઓ આવું ન કરે, પરંતુ માન્યા નહીં અને ‘તારાથી થાય એ કરી લેજે, અમે બધું તોડી નાખીશું’ તેમ કહીને તોડફોડ ચાલુ રાખી હતી. ત્યારબાદ હું બાજુ પર જતો રહ્યો અને પોલીસને જાણ કરી હતી. પછીથી પોલીસ આવી તો તેઓ ભાગી છૂટ્યા હતા.”
અમારી કોઈ દુશ્મની નથી, ક્યારેય વાતચીત પણ નથી થઇ: પીડિત
હુમલો કરનારાઓ સાથે અગાઉ કોઈ વાતે ઝઘડો થયો હતો કે કેમ તેમ પૂછતાં કિશને જણાવ્યું કે, “અમારી કોઈ સાથે દુશ્મની નથી કે ક્યારેય મેં તેમની સાથે કોઈ પ્રકારની વાતચીત કરી નથી. અમે ગરીબ માણસો છીએ, ભગવાનની મૂર્તિ બનાવીને ગુજરાન ચલાવીએ છીએ. અમારે કોઈની સાથે કોઈ પ્રકારનો ઝઘડો નથી. અમારી સાથે તેમણે આવું શું કામ કર્યું તેની મને ખબર નથી. એવું હોય શકે કે જેની માલિકીની આ જગ્યા છે તેમની સાથે તેમને કોઈ વિવાદ હોય શકે પરંતુ તેની પણ મને ચોક્કસ જાણ નથી.”
તેમણે એમ પણ કહ્યું કે, હુમલો થયો ત્યારે ઘરનાં બાળકો અને સ્ત્રીઓ પણ હાજર હતાં અને તેમની પાસે સુરક્ષા માટે કશું જ ન હતું. તેમણે ઉમેર્યું, “અમે મહેનત-મજૂરી કરીને જીવનારા માણસો છીએ, હથિયારો કે એવું કંઈ રાખતા નથી કે ક્યારેય કોઈ સાથે ઝઘડામાં ઉતર્યા નથી.”
‘મારા ભગવાનની મૂર્તિ તોડી નાખી, અમારી લાગણી દુભાઈ છે’
તેમણે કહ્યું કે, “અમારું હજારો રૂપિયાનું નુકસાન તો ગયું જ પણ એક હિંદુ તરીકે અમારા ભગવાનની મૂર્તિની તોડફોડ થતાં અમારી લાગણી પણ દુભાઈ છે. અમે ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા હતા અને હવે ગણેશ ચતુર્થીના તહેવારને આડે વીસ દિવસ બાકી રહ્યા છે તે પહેલાં જ આ બની ગયું. અમને ઘણું નુકસાન ગયું છે.”
પોલીસ અને સરકાર સમક્ષ માંગ કરતાં તેમણે કહ્યું કે, અમારી એક જ માંગણી છે કે આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવે અને કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવામાં આવે, જેથી તેઓ ફરી આવું કૃત્ય નહીં કરે.