રાજકોટના ધોરાજીમાં મોહર્રમ દરમિયાન તાજિયાનું જુલુસ કાઢતી વખતે અકસ્માત સર્જાયો હતો. તાજિયા વીજ લાઈનને અડી જતાં લગભગ પંદરેક લોકોને કરન્ટ લાગ્યો હતો, જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ધોરાજીમાં મોહરમના તાજિયા ઉપાડતા મોટી દુર્ઘટના, 15 લોકોને વીજ કરંટ લાગ્યો#Gujarat #news18gujaratino1 #rajkot pic.twitter.com/xlc2G63rFw
— News18Gujarati (@News18Guj) July 29, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોરાજીના રસુલપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. મુસ્લિમ સમુદાયે મોહર્રમ નિમિત્તે જુલુસનું આયોજન કર્યું હતું. દરમ્યાન, તાજિયા ઉપાડતી વખતે તે ઉપરથી પસાર થતા વીજ તારમાં લાગી ગયા હતા, જેના કારણે કરન્ટ પ્રસરી વળ્યો હતો. આ બનાવમાં 15 લોકો દાઝી ગયા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અમુકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 15માંથી 3થી 4 લોકોની હાલત ગંભીર હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
હાલ વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
ઝારખંડમાં પણ બની આવી જ ઘટના, મઝહબી ઝંડો તારને અડી જતાં 4નાં મોત
શનિવારે (29 જુલાઈ, 2023) સવારે ઝારખંડના બોકારોમાં પણ આવી જ એક ઘટના ઘટી ગઈ. અહીં મોહર્રમનું જુલુસ કાઢતી વખતે ઝંડો 11 હજાર વોલ્ટના તારને અડી ગયો હતો, જેના કારણે 14 લોકોને કરન્ટ લાગ્યો હતો. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ 4 લોકોને બચાવી શકાયા ન હતા.
ઘટનાને લઈને બોકારોના પોલીસ અધિક્ષક પ્રિયદર્શી આલોકે જણાવ્યું હતું કે, રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 80 કિલોમીટર દૂર પેટરવાર પોલીસ મથક ક્ષેત્રના ખેતકો ગામમાં એક મઝહબી ઝંડો વીજળીના તારના સંપર્કમાં આવવાથી આ અકસ્માત બન્યો હતો. તેમના અનુસાર, સવારે 6 વાગ્યે લોકો મોહર્રમના જુલુસ માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની, તેમના હાથમાં એક મઝહબી ઝંડો હતો. જેનો દંડો લોખંડનો હતો. આ ઝંડો 11 હજાર વૉલ્ટના હાઈ-ટેન્શન વીજળીના તારના સંપર્કમાં આવી ગયો હતો.
ઘટના સમયે હાજર લોકોએ જણાવ્યું કે, તાજિયા ઉઠાવવા દરમિયાન ઉપરથી પસાર થતી 11 હજારની હાઈટેન્શન લાઈનને અડી ગયા, જેથી તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થઇ ગયો અને આસપાસ ઉભેલા લોકોને કરન્ટ લાગ્યો હતો. હાલ આ બ્લાસ્ટ કયા કારણોસર થયો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝારખંડની આ ઘટના બાદ રાજકોટના ધોરાજીમાં તાજિયા ઉપાડતી વખતે કરન્ટ લાગવાની આ જ પ્રકારની ઘટના બની.