કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત વિવાદોમાં સપડાયા છે. શુક્રવારે (22 સપ્ટેમ્બર, 2023) મહિલા અનામત બિલને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે તેમણે મંદિરની મૂર્તિઓ વિશે આપત્તિજનક નિવેદન આપી દીધું હતું. તેમણે મૂર્તિઓની સરખામણી સાંસદો સાથે કરી અને કહ્યું કે તેમની પાસે કોઇ શક્તિ નથી હોતી.
રાહુલ ગાંધી સંસદના વિશેષ સત્રમાં પસાર કરવામાં આવેલા મહિલા અનામત બિલને લઈને વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ બિલ જાતિ વસ્તીગણતરી પરથી ધ્યાન ભટકાવવાની એક ચાલ છે. તેમણે કહ્યું કે, બિલ આવ્યું તો ખરું પણ સાથે એમ પણ કહેવામાં આવ્યું કે વસ્તીગણતરી અને સીમાંકન પછી જ તે લાગુ થઈ શકશે. સાથે એવો પણ દાવો કર્યો કે, “આ બંને પ્રક્રિયાઓમાં વર્ષો લાગી જશે અને સત્ય એ છે કે અનામત આજે પણ લાગુ થઈ શકે છે, તે કોઇ જટિલ બાબત નથી પરંતુ સરકાર તેમ કરવા માંગતી નથી. સરકારે બિલ આજે રજૂ કર્યું છે પરંતુ તેને લાગુ થતાં 10 વર્ષ લાગી જશે. એ પણ ખબર નથી કે લાગુ પણ થશે કે નહીં. આ ધ્યાન વિચલિત કરવાની ચાલ છે.”
OBC ક્વોટાને લઈને વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “લોકસભાને લોકશાહીનું મંદિર કહેવાય છે. તમે કોઇ પણ ભાજપ સાંસદને પૂછી લો, કે શું તે કોઇ નિર્ણય લે છે? કોઇ કાયદો બનાવે છે? કાયદો બનાવવામાં ભાગ લે છે? ના કોંગ્રેસનો સાંસદ, ના ભાજપનો સાંસદ, કોઇ નિર્ણય લેતા નથી. સાંસદોને મંદિરમાં મૂર્તિ હોય તેમ મૂર્તિઓ બનાવી રાખી છે. OBCની ત્યાં મૂર્તિઓ બનાવી રાખી છે. પણ શક્તિઓ બિલકુલ નથી. દેશને ચલાવવામાં કોઇ ભાગીદારી નથી.” વીડિયોમાં 5 મિનિટ 18 સેકન્ડથી આ વાત સાંભળી શકાય છે.
મોદી સરકારને ઘેરવા જતાં રાહુલ ગાંધીએ વધુ એક હિંદુધૃણાથી ગ્રસિત નિવેદન આપી દીધું હતું. લોકસભામાં સાંસદો કોઇ નિર્ણયમાં કે કાયદા બનાવવામાં ભાગ લેતા નથી તેમ કહેવા જતાં તેમણે તેમની સરખામણી મંદિરની મૂર્તિઓ સાથે કરી નાખી અને કહ્યું કે, તેઓ એટલા જ શક્તિહીન છે, જેવી આ મૂર્તિઓ હોય છે. ઉલ્લેખનીય છે કે સનાતની હિંદુઓને ‘અંધશ્રદ્ધાળુ’માં ખપાવી દેવા માટે ઈસ્લામીઓ પણ આવી જ દલીલો આપતા હોય છે કે મૂર્તિ માત્ર એક પથ્થર છે અને તેમાં કોઇ શક્તિ નથી હોતી. આમ કહીને તેઓ મૂર્તિપૂજાનો પણ વિરોધ કરતા હોય છે.
પરંતુ નોંધવું જોઈએ કે મંદિરમાં સ્થાપવામાં આવેલી ભગવાનની મૂર્તિઓ માત્ર એક પથ્થર હોતો નથી, તેમાં વિધિસર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમા દૈવીય તત્વની હાજરી હંમેશા માટે હોય છે.
Rahul Gandhi: MPs have been made powerless like MURTIS in a MANDIR
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 23, 2023
Are MURTIS in a Mandir powerless? Or are they our Astha Kendra & manifestation of our collective faith? How dare our Bhagwan be reduced to powerless Murtis by this man!
In the past Rahul & anti Hindu Congress… pic.twitter.com/TUEFGKfJTO
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ X પર પોસ્ટ કરીને કોંગ્રેસ નેતા પર નિશાન સાધ્યું હતું. તેમણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, “શું મંદિરની મૂર્તિઓ શક્તિહીન હોય છે? કે પછી આપણી આસ્થાનાં કેન્દ્રો છે? આ વ્યક્તિ કઈ રીતે આપણા ભગવાનને શક્તિ વિનાની મૂર્તિઓ કહી શકે? આ ઉપરાંત, તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં જૂનાં નિવેદનો પણ યાદ કરાવ્યાં જેમાં તેમણે ‘મંદિરે જનારા યુવાનો મહિલાઓની છેડતી કરે છે’ કહીને વિવાદ સર્જ્યો હતો તો કોંગ્રેસે ભગવા આતંકવાદનો નેરેટિવ ઘડવાના પ્રયાસો કર્યા હતા તે પણ તેમણે યાદ કરાવ્યું.
Rahul ji – Are you convinced that deities in Hindu temples have been there for ages just like that? People do not derive spiritual solace from Murtis? Then why do you visit temples?
— Himanta Biswa Sarma (@himantabiswa) September 22, 2023
Please do not have so much contempt for Hindus. pic.twitter.com/gYWVPU99bG
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પણ આ મુદ્દે રાહુલ ગાંધીને આડેહાથ લીધા. તેમણે કહ્યું કે, “રાહુલજી, શું તમે એમ માનો છો કે હિંદુ મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ દાયકાઓથી આમ જ રાખવામાં આવી છે અને લોકોનું કોઇ આધ્યાત્મિક જોડાણ તેની સાથે નથી. તો પછી તમે મંદિરોમાં કેમ જાઓ છો? હિંદુઓ પ્રત્યે આટલો તિરસ્કાર ન રાખવો જોઈએ.”