લોકસભા ચૂંટણી હોય કે કોઈ રાજ્યની વિધાનસભા ચૂંટણી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ ચૂંટણી અગાઉ ‘ટેમ્પલ રન’ શરૂ કરી દે છે અને મંદિર-મંદિરે દર્શન માટે ફરવા માંડે છે. આ વિશે એક પત્રકારના વિડીયોથી મોટો ખુલાસો થયો છે, જેમાં તેમણે કોંગ્રેસના સોફ્ટ હિંદુત્વના રાજકારણ અંગે વાત કરી છે અને કહ્યું કે, કોંગ્રેસે સોફ્ટ હિંદુત્વની છબી યથાવત રાખવા માટે રાહુલ ગાંધીનો રોડ શૉ પણ ડાયવર્ટ કરી દેવાયો હતો.
આ પત્રકારનું નામ છે, મૌસમી સિંહ. તેઓ ઇન્ડિયા ટૂડેમાં કામ કરે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (2017) રાહુલ ગાંધીના પ્રચાર અને કોંગ્રેસની રણનીતિને લઈને વાતચીત કરી હતી. તેમની આ વાતચીતનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.
મૌસમી સિંહે ‘ધ લલ્લનટોપ’ના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ગુજરાતમાં મને યાદ છે એક વખત રાહુલ ગાંધીનો રોડ શૉ નીકળવાનો હતો અને એ માટે તૈયારી ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસ ‘સોફ્ટ હિંદુત્વ’ની છબી દર્શાવવા માંગતી હતી અને રાહુલ મંદિર-મંદિર જઈ રહ્યા હતા.
मोसंबी is a frontline कांग्रेस मीडिया कार्यकर्ता with a Purie badge. We gotta give credence to her for this (not so secret) revelation
— iMac_too (@iMac_too) September 23, 2022
Btw, next round of Assembly polls in Gujarat are round the corner. @BJP4Gujarat is lucky pic.twitter.com/aATwf1z9lr
તેઓ આગળ કહે છે કે, આ રોડ શૉ અચાનક મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જવા વગર કોઈ અન્ય રુટથી નીકળી ગયો. કારણ કે નિર્ણય લેવામાં આવ્યો કે સોફ્ટ હિંદુત્વ અને રાહુલનું ટેમ્પલ રન ચાલી રહ્યું હતું અને એ સંજોગોમાં જો મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં જઈશું તો ટોપીવાળા વધુ દેખાવા માંડશે.
પત્રકાર મૌસમી સિંહ અનુસાર, આ નિર્ણય મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ન જવાનો નિર્ણય રાહુલ ગાંધીની સુરક્ષા ટીમના એક કર્મચારી કેબી બૈજુએ લીધો હતો. તેઓ પહેલાં રાહુલની સુરક્ષામાં તહેનાત SPGનો એક ભાગ હતા, પછીથી રાહુલ ગાંધી મહાસચિવ બન્યા પછી તેમની ટીમમાં સામેલ થઇ ગયા હતા.
મૌસમી સિંહે એ પણ જણાવ્યું હતું કે, પડદા પાછળ કયા પત્રકારને ઇન્ટરવ્યૂ આપવો, કોને ન આપવો એ બધા નિર્ણયો હવે બૈજુ અને સચિન રાવ લેવા માંડ્યા છે. સચિન રાવ પણ રાહુલ ગાંધીની ટીમમાં જ કામ કરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ ચર્ચા કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામાંને લઈને ચાલી રહી હતી, જેમાં તેમણે પાર્ટી છોડતી વખતે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં તમામ નિર્ણયો હવે રાહુલ ગાંધીના સુરક્ષાકર્મી અને અંગત સહાયક લેવા માંડ્યા છે.
2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે રાહુલ ગાંધીને ‘જનેઉધારી હિંદુ’ ઘોષિત કર્યા હતા. ત્યારબાદ આ અંગે પ્રશ્નો ઉઠ્યા તો રાહુલ ગાંધીએ પુષ્કરમાં કહ્યું હતું કે, તેમનું ગૌત્ર દત્તાત્રેય છે અને તેઓ કાશ્મીરી બ્રાહ્મણ છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેમણે કાશ્મીરી બ્રાહ્મણવાળું ચાલુ રાખ્યું અને હવે આવતા વર્ષે કર્ણાટકમાં ચૂંટણી છે ત્યારે ગત મહિને રાહુલ કર્ણાટકમાં લિંગાયત સમુદાયની દીક્ષા લેવા પહોંચ્યા હતા.