કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે ગયા છે. તાજેતરમાં વોશિંગ્ટન ડીસીના નેશનલ પ્રેસ ક્લબમાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે ચીનનો મુદ્દો ફરી ઉછાળ્યો અને આ સંદર્ભે પૂછાયેલા સવાલમાં જુઠ્ઠાણું ચલાવ્યું હતું. તેમણે ચીન અને ભારતને લઈને એવા દાવા કર્યા જે ભારત સરકાર અને સેના પહેલેથી જ નકારી ચૂકી છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને ચીનને લઈને સવાલ પૂછવામાં આવ્યો. પત્રકારે કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન પર કબ્જો ન કર્યો હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર તેમની (રાહુલની) શું પ્રતિક્રિયા હશે? આગળ કહ્યું કે, “તમે ભારતના ચીન સાથેના સબંધો વિશે જણાવી શકો કે તેમાં કેટલો બદલાવ આવ્યો છે?”
China has occupied our territory, and it's an accepted fact. They have occupied 1500 sq km of land, and it is absolutely unacceptable. However, PM Modi believes otherwise.
— Congress (@INCIndia) June 1, 2023
: Shri @RahulGandhi
📍National Press Club, Washington DC, USA pic.twitter.com/jjtiGEyvaM
જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે, “હકીકત એ છે કે ચીન અમારી જમીન કબ્જે કરીને બેઠું છે. એ સર્વસ્વીકાર્ય વાસ્તવિકતા છે. 1500 સ્કવેર કિલોમીટર, એટલે કે દિલ્હી જેટલો વિસ્તાર તેમણે (ચીને) કબ્જે કરી લીધો છે. આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે, પણ વડાપ્રધાન કંઈ જુદું માનતા હશે. બની શકે કે તેઓ એવું કંઈ જાણતા હોય જે વિશે આપણને નથી ખબર.”
આ પહેલી વખત બન્યું નથી કે રાહુલ ગાંધીએ ચીન વિશે જુઠ્ઠાણું ચલાવ્યું હોય. જોકે હવે તેઓ વૈશ્વિક મંચ પર આ બાબતને લઇ ગયા છે તો વાસ્તવિકતા જાણવી પણ જરૂરી બને છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે અવારનવાર આ બાબતે સ્પષ્ટતા કરી છે કે ભારતની એક ઇંચ જમીન પણ ચીનના કબ્જામાં નથી અને અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે.
હમણાં નહીં 1962માં ચીને પચાવી પાડી હતી જમીન
ગત જાન્યુઆરીમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ બાબતે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, ચીને 1962માં જ્યારે જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે ભારતની જમીન કબ્જે કરી હતી, હાલ કોઈ કબ્જો થયો નથી. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો જાણીજોઈને આ પ્રકારની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું, “ઘણી વખત તેઓ (રાજકીય નેતાઓ) જાણીજોઈને આ પ્રકારના સમાચાર ફેલાવે છે જે તેઓ પણ જાણતા હોય કે સાચા નથી. ઘણી વખત તેઓ જમીન મુદ્દે વાત કરે છે, જે ખરેખર ચીન દ્વારા 1962માં પચાવી પાડવામાં આવી હતી. પણ તેઓ આ વાત તમને નહીં કહે. તેઓ એવી રીતે વાત કરશે કે જાણે આ હમણાં બન્યું હોય. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 1962ના યુદ્ધ બાદ ચીને ભારતની કેટલીક જમીન પચાવી પાડી હતી, જે અત્યાર સુધી તેના કબ્જામાં છે. રાહુલ ગાંધી કે કોંગ્રેસના નેતાઓ જમીન કબ્જે કરી હોવાની વાતો તો મોટેમોટેથી કરે છે પણ એ જણાવતા નથી કે આ હમણાં નહીં પણ 1962માં બન્યું હતું.
અરૂણાચલનો કોઈ ભાગ ચીને કબ્જે કર્યો નથી: સેના
વિદેશ મંત્રાલય ઉપરાંત ભારતીય સેના પણ આ બાબતની સ્પષ્ટતા કરી ચૂકી છે. ડિસેમ્બર 2022માં ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ચીને ભારતની કોઈ જમીન પર કબ્જો કર્યો નથી. અરૂણાચલ પ્રદેશમાં ચીની સેનાએ કોઈ ભાગ કબ્જે કર્યો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતનો કોઈ ભાગ ચીને હાલ કબ્જે કર્યો નથી કે ડોકલામમાં ચીનની બાજુએ કોઈ બાંધકામ ચાલી રહ્યું હોવાના દાવા પણ તેમણે નકારી દીધા હતા.