Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખડગેના જેકેટ પર નાક સાફ કરવાના કથિત વિડીયો બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા...

    ખડગેના જેકેટ પર નાક સાફ કરવાના કથિત વિડીયો બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી, કહ્યું- હું તો મદદ કરી રહ્યો હતો: અગાઉ વાયરલ થયો હતો વિડીયો

    રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને મદદ કરી રહ્યા હતા પરંતુ વિડીયો શૅર કરીને એવો દાવો કરવામાં આવ્યો કે તેઓ નાક સાફ કરી રહ્યા છે.

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધીએ ખડગેના જેકેટ ઉપર નાક સાફ કર્યું હતું. આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે. 

    રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને મદદ કરી રહ્યા હતા પરંતુ વિડીયો શૅર કરીને એવો દાવો કરવામાં આવ્યો કે તેઓ નાક સાફ કરી રહ્યા છે. તેમણે સ્વયં મલ્લિકાર્જુન ખડગેને જ આ વાત કહી હતી. જેનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. 

    ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર એક વિડીયો શૅર કર્યો, જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ જોવા મળે છે. સંભવતઃ કોઈ બેઠક પૂર્ણ કરીને તેઓ બહાર આવી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને દાદર ઉતરવામાં મદદ કરી હતી. આ સમયે તેમણે તાજેતરનો કિસ્સો યાદ કર્યો. 

    - Advertisement -

    રાહુલ ગાંધીએ કહ્યું, “જો હું તમને સ્પર્શ કરીશ તો તેઓ કહેશે કે હું તમારી પીઠ ઉપર નાક સાફ કરી રહ્યો છું. તમે તે જોયું? હું તમને મદદ કરી રહ્યો હતો અને તેમણે (સોશિયલ મીડિયા યુઝર્સ) કહ્યું કે હું તમારી ઉપર નાક સાફ કરી રહ્યો છું.” તેમણે આ બધી બાબતોને ‘વાહિયાત’ પણ ગણાવી હતી.  

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો આ વિડીયો વાયરલ થયો હતો. બંને નેતાઓ સંસદ ભવનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ ખડગેને પોતાની કારમાં લિફ્ટ આપી હતી. આ જ ક્ષણોનો વિડીયો કોંગ્રેસના અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર શૅર કર્યો અને રાહુલનાં વખાણ કર્યાં હતાં. 

    જોકે, બીજા દિવસે આ જ વિડીયો કોંગ્રેસ માટે માથાનો દુખાવો બન્યો જ્યારે અમુક લોકોએ વિડીયોમાંથી બીજું જ કંઈ શોધી કાઢ્યું હતું. દાવો કરવામાં આવ્યો કે રાહુલ ગાંધી ખડગેના જેકેટ પર પોતાનું નાક સાફ કરી રહ્યા હતા. આ વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. 

    થોડા દિવસ બાદ હવે રાહુલ ગાંધીએ આ જ ઘટનાને લઈને સ્પષ્ટતા કરવી પડી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં