પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કર્ણાટક પ્રવાસ દરમિયાન લિંગાયત સમુદાયના ધર્મગુરુ સાથે મુલાકાત કરી હતી. સાથે તેમણે લિંગાયત સમુદાયની લિંગ દીક્ષા પણ લીધી હતી. આમ તો રાહુલ ગાંધી પોતાને જનેઉધારી બ્રાહ્મણ ગણાવતા રહ્યા છે પરંતુ હવે તેમનો નવો અવતાર લિંગાયતના સ્વરૂપમાં થયો છે.
રાહુલ ગાંધી પાર્ટી નેતાઓ ડીકે શિવકુમાર અને કેસી વેણુગોપાલ સાથે ચિત્રદુર્ગમાં શ્રી મુરૃઘા મઠમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે મઠના ધર્મગુરુ ડૉ શ્રી શિવમૂર્તિ મુરુગહ શરણારૂ પાસેથી લિંગ દીક્ષા લીધી હતી. સામાન્ય રીતે લિંગાયત સમુદાયના લોકો ક્રિસ્ટલથી બનેલ ઇષ્ટલિંગ પહેરીને અનુષ્ઠાન કરે છે અને દીક્ષા મેળવે છે.
#WATCH | Karnataka: Congress leader Rahul Gandhi visits Sri Murugha Math in Chitradurga along with party leaders DK Shivakumar & KC Venugopal pic.twitter.com/nxmwiHeRfI
— ANI (@ANI) August 3, 2022
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ ઘણા સમયથી બસવન્નાજીને અનુસરી રહ્યા છે અને તેમના વિશે વાંચન કરી રહ્યા છે. તેમણે કહ્યું, “તેથી અહીં આવવું મારા માટે એક સૌભાગ્યપૂર્ણ બાબત છે. મારી એક વિનંતી છે. જો તમે કોઈ એવો વ્યક્તિ મોકલી શકો જે મને ઇષ્ટલિંગ અને શિવયોગ વિશે વિસ્તારથી જણાવી શકે તો મને તેનાથી કદાચ ફાયદો થશે.”
નોંધવું જોઈએ કે કર્ણાટકમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થનાર છે. રાજ્યમાં લિંગાયત સમુદાયની વસ્તી 18 ટકાથી વધુ છે. રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણીમાં લિંગાયત સમુદાયને આકર્ષવા માટે તેમણે લિંગ દીક્ષા લીધી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે લિંગાયત સમુદાય પોતાને હિંદુ સમુદાયથી અલગ ગણાવવા માટે સતત પ્રયાસરત રહે છે. બીજી તરફ, રાહુલ ગાંધી પણ હિંદુ અને હિંદુત્વમાં તફાવત હોવાનું ગણાવીને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આક્ષેપો કરતા રહે છે. રાહુલ હિંદુત્વને હિંસક ગણાવતા આવ્યા છે.
આ પહેલાં રાહુલ ગાંધી પોતાને કાશ્મીરી પંડિત, જનેઉધારી બ્રાહ્મણ અને દત્તાત્રેય ગૌત્રવાળા બ્રાહ્મણ ગણાવી ચૂક્યા છે. યુપી અને લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી પોતાને બ્રાહ્મણ ગણાવીને બ્રાહ્મણ વોટ મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જોકે, સ્વતંત્રતાથી છેક એક દાયકા પહેલાં સુધી બ્રહ્મની અને દલિતના સમીકરણ પર સત્તાસુખ ભોગવ્યા બાદ પણ કોંગ્રેસને આ ચૂંટણીઓમાં કોઈ ખાસ લાભ પહોંચ્યો નથી.
હવે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જોઈને રાહુલ ગાંધી બ્રાહ્મણથી લિંગાયત બની ગયા છે. તેઓ આ સમુદાયના સંસ્થાપક બસવન્નાને ફૉલો કરી રહ્યા છે અને જેમના વિશે વાંચન કરી રહ્યા છે, જેમણે બ્રાહ્મણોની વર્ચસ્વવાદી વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો. બસવન્ના જન્મ આધારિત વ્યવસ્થાની જગ્યાએ કર્મ આધારિત વ્યવસ્થામાં વિશ્વાસ કરે છે. જેથી તેના કુરિવાજો હટાવવા માટે તેમણે 12મી સદીમાં નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી.
લિંગાયત અને વીરશૈવ કર્ણાટકના બે મોટા સમુદાયો છે અને તે બંનેની સ્થાપના 12મી સદીમાં સમાજ સુધારક બસવન્નાએ જ કરી હતી. લિંગાયત સમાજને કર્ણાટકની ઉચ્ચ જાતિઓમાં ગણવામાં આવે છે. કર્ણાટક ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ લિંગાયતોની વસ્તી રહે છે.
ચૂંટણી આવતાં જ વિવિધ અવતારમાં પ્રગટ થઇ જતા રાહુલ ગાંધી હવે આગામી ચૂંટણી પહેલાં મરાઠા કે શીખ તરીકે પણ પ્રગટ થાય તો કોઈ નવાઈ ન લાગવી જોઈએ!