માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. કોર્ટે તેમની અરજી પર સુનાવણી હાથ ધરીને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણીની તારીખ 4 ઓગસ્ટ, 2023 મુકરર કરી છે.
Supreme Court also issues notice to complainant & Gujarat BJP MLA Purnesh Modi on Rahul Gandhi’s plea and posts the matter for hearing on stay of his conviction on August 4.
— ANI (@ANI) July 21, 2023
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને પીકે મિશ્રાની બેન્ચે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ કરનાર ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીને એક નોટિસ પાઠવી છે અને 10 દિવસમાં લેખિત જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.
કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાએ સાંસદ પદ ગુમાવ્યાને 111 દિવસ થઇ ચૂક્યા છે અને શક્યતા છે કે ચૂંટણી પંચ વાયનાડ મતવિસ્તારમાં જલ્દીથી પેટાચૂંટણી જાહેર કરશે. તેઓ સંસદના પાછલા સત્રમાં પણ હાજર રહી શક્યા ન હતા અને હાલ ચાલતા સત્રમાં પણ ભાગ લઇ શકે તેમ નથી. જેથી સજા પર સ્ટે મૂકવા માટે વચગાળાની રાહત આપવામાં આવે. જોકે, કોર્ટે રાહત આપી ન હતી.
આ પહેલાં ગત 18 જુલાઈ, 2023ના રોજ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. રાહુલ ગાંધી તરફથી અભિષેક મનુ સિંઘવીએ અરજી દાખલ કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી અને 21 જુલાઈ કે 24 જુલાઈની તારીખ માંગી હતી. ત્યારબાદ ચીફ જસ્ટિસે મામલો 21 જુલાઈ, 2023ના રોજ સાંભળવાનું નક્કી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોદી સમાજ વિશે એક ભાષણમાં કરેલી ટિપ્પણી મામલે ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ રાહુલ ગાંધી સામે કેસ દાખલ થયો હતો. જે મામલે 4 વર્ષ સુનાવણી ચાલ્યા બાદ ગત 23 માર્ચ, 2023ના રોજ ચુકાદો આપવામાં આવ્યો અને રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેનું સભ્યપદ બરખાસ્ત કરવાનો નિયમ છે, જે રાહુલ ગાંધીને પણ લાગુ પડ્યો હતો. રાહુલ ગાંધીએ ત્યારબાદ ટ્રાયલ કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ ત્યાંથી રાહત મળી ન હતી. ત્યારબાદ તેઓ ગુજરાત હાઇકોર્ટ ગયા પરંતુ હાઇકોર્ટે પણ તેમનો દોષ રદ કરવાની સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે, નીચલી કોર્ટનો ચુકાદો ન્યાયસંગત અને યોગ્ય જ છે અને રાહત આપવાનો ઇનકાર કરવાથી આરોપીને કોઈ પણ જાતનો અન્યાય થશે તેમ જણાઈ રહ્યું નથી. આખરે રાહુલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જ્યાં કેસ ચાલી રહ્યો છે.
જો રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ રાહત આપે તો તેમનું લોકસભાનું સભ્યપદ બહાલ થઇ શકશે પરંતુ જો રાહત ન મળે તો 8 વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાઈ જશે.