એક તરફ જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં શ્રેષ્ઠ કક્ષાની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવાની વાતો કરી રહી છે ત્યાં બીજી તરફ પંજાબની હોસ્પિટલોની જુદી જ હકીકત સામે આવી છે. પંજાબમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને એક્સ-રે માટે હાર્ડ કૉપી પણ આપવામાં આવી રહી ન હોવાનું અને તેની જગ્યાએ સ્માર્ટફોનથી ફોટો ખેંચી લેવા માટે કહેવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
‘ટ્રિબ્યુન ઇન્ડિયા’ના એક રિપોર્ટમાં પંજાબની પટિયાલા શહેરની હોસ્પિટલમાં અવારનવાર એક વિચિત્ર પ્રકારની જાહેરાત થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં હોસ્પિટલના કર્મચારીઓ જાહેરાત કરીને જે દર્દીઓ પાસે સ્માર્ટફોન હોય તેમને જ એક્સ-રે સ્કેનિંગ માટે આવવા માટે કહે છે. આ કિસ્સો શહેરની માતા કૌશલ્યા હોસ્પિટલનો છે.
હોસ્પિટલના કર્મચારીઓના જણાવ્યા મુજબ, આ તેમને ત્યાં થતી સામાન્ય પ્રક્રિયા છે અને જ્યારે હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મ્સ ખૂટી જાય ત્યારે તેઓ આવી જાહેરાતો કરે છે. જોકે, આનાથી હોસ્પિટલમાં આવતા ઘણા દર્દીઓ, જેમની પાસે સ્માર્ટફોન ન હોય તેમને ખૂબ તકલીફ પડે છે.
ટ્રિબ્યુન ઇન્ડિયા સાથે વાત કરતાં એક મહિલા દર્દીએ જણાવ્યું હતું કે, તેમની પાસે સ્માર્ટફોનની જગ્યાએ કી-પેડ ફોન હોવાના કારણે હોસ્પિટલે કથિત રીતે સારવાર કરવાની ના પાડી દીધી હતી. 53 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે તે મજૂરી કામ કરે છે અને માત્ર તેના પુત્ર પાસે જ સ્માર્ટફોન છે. જેથી હવે તેણે એક્સ-રે માટે તેના પુત્રને લઈને આવવું પડશે.
અન્ય એક દર્દી મનજીત કૌરે જણાવ્યું હતું કે, મારી પાસે સ્માર્ટફોન નથી. મેં અનેક લોકો પાસે મદદ માંગી પરંતુ કોઈ તૈયાર ન થયું.
દરમ્યાન, એક્સ-રે તપાસતા ડોક્ટરે આ વિશે કહ્યું હતું કે, દર્દીઓને આવી પરેશાનીઓ ભોગવવી પડે એ દુઃખદ બાબત છે. તેમણે એ પણ કહ્યું કે, સ્માર્ટફોનથી એક્સ-રેનો બરાબર અભ્યાસ થઇ શકતો નથી અને અમને દર્દીઓના નિદાનમાં પણ ખૂબ તકલીફ પડે છે.
અહીં નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં જ પંજાબના સ્વાસ્થ્ય મંત્રી આ હોસ્પિટલની મુલાકાત લઇ ગયા હતા.
બીજી તરફ, માતા કૌશલ્યા હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે હોસ્પિટલના આ કૃત્યને વ્યાજબી ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે તેનાથી પૈસાની બચત થાય છે! તેમણે કહ્યું કે, જો કોઈ દર્દી પાસે સ્માર્ટફોન ન હોય તો અમારા એક્સ-રે વિભાગમાંથી તરત તેમના ડોક્ટરને તસ્વીર મેઈલ કરી દેવામાં આવે છે.