પંજાબની આ પહેલાંની કોંગ્રેસ સરકારનું એક કૌભાંડ સામે આવ્યું છે, જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પંજાબના વિજિલન્સ બ્યુરોએ તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તત્કાલીન કોંગ્રેસ સરકારે ‘દાસ્તાન-એ-શહાદત’ કાર્યક્રમનું આયોજન કરી તેના ખર્ચમાં તત્કાલીન સીએમ ચરણજીત સિંઘ ચન્નીના પુત્રના લગ્નમાં થયેલા ખર્ચનું સરભર કરવામાં આવ્યું હતું.
આ મામલે ભટિંડાના એક રહીશે પંજાબના વિજિલન્સ બ્યુરો સમક્ષ તત્કાલીન પ્રવાસન વિભાગના ચીફ જનરલ મેનેજર એસ. કે ચઢ્ઢા અને એક્ઝિક્યુટિવ એન્જીનીયર પ્રેમ ચંદ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નવેમ્બર 2021માં ચમકૌર સાહિબમાં યોજાયેલ ‘દાસ્તાન-એ-શહાદત’ કાર્યક્રમના ખર્ચની તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર, તત્કાલીન કોંગ્રેસ સરકારના પ્રવાસન વિભાગે આ કાર્યક્રમ પાછળ 1.47 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેના મહિના પહેલાં જ ચરણજીત સિંઘ ચન્નીના પુત્રના લગ્ન થયા હતા અને તેમાં થયેલો ખર્ચ સરભર કરવા માટે આ કાર્યક્રમના બિલ અસાધારણ વધારો કરીને મૂકવામાં આવ્યાં હતાં. આ કૌભાંડ સીએમના પુત્રના લગ્નનો ખર્ચ સરભર કરવા આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
આરોપ અનુસાર, કાર્યક્રમમાં એક કપ ચાની કિંમત રૂ. 2 હજાર જેટલી બતાવવામાં આવી હતી, જે સામાન્ય રીતે એટલી હોતી નથી. ઉપરાંત, લંચમાં પ્રતિ વ્યક્તિ 2 હજારની કિંમત મૂકવામાં આવી હતી, જ્યારે ચૂંટણી પંચના નિયમાનુસાર તે માત્ર 15 રૂપિયા હોવી જોઈતી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો કે ચન્નીના પુત્રના લગ્ન દરમિયાન થયેલા ખર્ચને સમાયોજિત કરવા માટે ‘દાસ્તાન-એ-શહાદત’ કાર્યક્રમના બહાને સરકારી પૈસાની લૂંટ મચાવવામાં આવી હતી.
પ્રવાસન મંત્રાલયનો કારભાર તત્કાલીન CM પાસે જ હતો
ઉલ્લેખનીય છે કે પંજાબની આગલી કોંગ્રેસ સરકારમાં પ્રવાસન મંત્રાલયનો કારભાર મુખ્યમંત્રી ચરણજીત સિંઘ ચન્ની પાસે જ હતો. ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, પ્રવાસન વિભાગે કાર્યક્રમ માટે ચાર ટેન્ડર બહાર પાડ્યાં હતાં અને તે જ દિવસે નિયમોનું ઉલ્લંઘન કરીને 1.47 કરોડનું કામ સોંપી દેવામાં આવ્યું હતું.
બીજી તરફ, પૂર્વ સીએમ ચરણજીત સિંઘ ચન્નીએ આ આરોપો નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર તેમની સાથે બદલાનું રાજકારણ રમી રહી છે. તેમણે કહ્યું કે, મારો પુત્ર ઓક્ટોબરમાં પરણ્યો હતો અને કાર્યક્રમ નવેમ્બરમાં યોજાયો હતો અને આ બાબતે પંજાબના રાજ્યપાલને પણ જાણ કરવામાં આવી હતી.
ઉપરાંત, કૌભાંડના આરોપોનો સામનો કરતા અધિકારી એસ. કે ચઢ્ઢાએ પણ આરોપો નકારી કાઢ્યા હતા અને AAP સરકાર પર આરોપ લગાવ્યા હતા.