Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકાર બનાવ્યાને વર્ષ ન થયું ત્યાં પંજાબના વધુ એક કેબિનેટ મંત્રી ઘરભેગા,...

    સરકાર બનાવ્યાને વર્ષ ન થયું ત્યાં પંજાબના વધુ એક કેબિનેટ મંત્રી ઘરભેગા, ફૌજા સિંઘ સરારીએ રાજીનામું આપ્યું: લાગ્યો હતો વસૂલીનો આરોપ

    ગત સપ્ટેમ્બર મહિનામાં ભગવંત માન સરકારના તત્કાલીન મંત્રી ફૌજા સિંહની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી, જેમાં પૈસાની લેવડદેવડ અંગે વાતચીત થતી સાંભળવા મળી હતી.

    - Advertisement -

    પંજાબ રાજ્યની ભગવંત માન સરકારના વધુ એક કેબિનેટ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. મંત્રીનું નામ ફૌજા સિંહ સરારી છે. તેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો અને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. 

    ફૌજા સિંહે મુખ્યમંત્રી ભગવંત માનને રાજીનામું સોંપ્યું છે. પદ ત્યાગ કરવાનું કારણ વ્યક્તિગત હોવાનું જણાવ્યું છે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પાર્ટીના વફાદાર સિપાઈ બનીને રહેશે. 

    ગત સપ્ટેમ્બર મહિનામાં ભગવંત માન સરકારના તત્કાલીન મંત્રી ફૌજા સિંહની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી, જેમાં પૈસાની લેવડદેવડ અંગે વાતચીત થતી સાંભળવા મળી હતી. આરોપ લાગ્યો હતો કે આ વાતચીત મંત્રી ફૌજા સિંહ અને તેમના PA વચ્ચે થઇ હતી. બંને વચ્ચે પૈસાનું સેટિંગ કરવા માટે વાતચીત થઇ હોવાનો આરોપ લાગ્યો હતો. 

    - Advertisement -

    5 મિનિટ 3 સેકન્ડનો આ વિડીયો વાયરલ થયા બાદ એક તરફ જ્યાં વિપક્ષે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું હતું ત્યાં બીજી તરફ મંત્રીએ આરોપો નકારી કાઢ્યા હતા અને ઉપરથી તેમને બદનામ કરવા માટે ષડ્યંત્રના ભાગરૂપે આમ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, તેમ છતાં વિપક્ષ તેમના રાજીનામાની માંગ પર અડગ રહ્યો હતો. 

    આરોપો લાગ્યા બાદ ભગવંત માન સરકારે તેમને કારણદર્શક નોટિસ ફટકારી હતી, પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. ફૌજા સિંહ સરારી પંજાબ પોલીસને નિવૃત્ત ઇન્સ્પેક્ટર છે. તેઓ સરહદ વિસ્તારના ફિરોઝપુરના ગુરુહરસહાયથી પહેલી વખત ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. 

    એ વાત પણ નોંધવા જેવી છે કે પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકારને હજુ એક વર્ષ પણ નથી થયું ત્યાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા બીજા મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. આ પહેલાં ગત મે મહિનામાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. વિજય સિંગલાને સરકારમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમની ઉપર વિભાગના ટેન્ડરમાં કમિશન લેવાનો આરોપ લાગ્યો હતો. જોકે, તેમને આમ આદમી પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા નથી. 

    બીજી તરફ, ભગવંત માન સરકારના કેબિનેટનું વિસ્તરણ અને ફેરબદલ કરવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. આ માટે આજે સાંજે 5 વાગ્યે પંજાબના રાજભવન ખાતે એક કાર્યક્રમ યોજાઈ શકે તેમ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં