બીગબોસ ટીવી પ્રોગ્રામથી ચર્ચામાં આવેલી અર્ચના ગૌતમે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પીએ સંદીપ સિંઘ પર અતિ ગંભીર આરોપ લગાવ્યા છે. અર્ચનાના પિતાએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોધાવ્યો છે. હવે સંદીપ સિંઘને પીએ પોસ્ટ પરથી કાઢવાની માંગ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, અર્ચના ગૌતમ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. અર્ચનાએ પ્રિયંકા ગાંધીની મુલાકાત કરવી હતી, એટલે તેના પીએ સંદીપ સિંઘનો સંપર્ક કર્યો હતો. પરંતુ અર્ચનાના આરોપ અનુસાર તે તેમને મળવા દેતો હતો નહીં. માટે અર્ચનાએ પોતાની રીતે સંપર્ક કરી પ્રિયંકા ગાંધીને મળી આવી હતી. આ કારણથી સંદીપ સિંઘ નારાજ થયો હતો. જેના કારણે અર્ચનાને મારી નાખવાની ધમકી આપી અને છેડછાડ કરી હતી. આ તમામ આરોપ અર્ચનાએ પોતાના 27 ફેબ્રુઆરી 2023ના એક લાઈવમાં લગાવ્યા હતા. આ લાઇવમાં તેણે વધુ આરોપ એ પણ લગાવ્યો હતો કે સંદીપ સિંધથી પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે. તેના વર્તન થકી કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે.
આ ફેસબુક લાઈવમાં અર્ચનાએ ઘણા આરોપ લગાવ્યા હતા. જેમાં ત્યાં સુધી કહ્યું હતું કે સંદીપ સિંઘ અન્ય પાર્ટીનો દલાલ છે. ઉત્તરપ્રદેશ ચુંટણીના પરિણામ માટે પણ સંદીપ સિંઘને જવાબદાર ઠેરવ્યો હતો. એક આરોપ એ પણ લગાવ્યો હતો કે સંદીપ સિંઘ જેવા લોકો એવું ઈચ્છે છે કે એસસી સમાજ અને ઓબીસી સમાજના લોકો ઉપર ન આવે, માટે અમારા જેવાને દબાવી રાખે છે. તેણે રાહુલ ગાંધીને પણ અપીલ કરી હતી કે આવા લોકો જ કોંગ્રેસ પાર્ટીને કતરી કતરીને ખાઈ જાય તે પહેલા આવા લોકોને કાઢો અને તો જ પાર્ટીનું ભલું થશે. તેણે સંદીપ સિંઘને પણ પડકાર ફેક્યો હતો કે હું મારા ઘરે જ બેઠી છું તારાથી જે થાય તે કરી લેજે.
આજ વાતને આગળ વધારતા અર્ચનાના પિતા ગૌતમ બુદ્ધે અગાઉ કહ્યું હતું કે મારી દીકરીને સંદીપ સિંઘથી ખતરો છે. અંતે તેમણે ગઈ કાલે મેરઠમાં કેસ નોંધાવ્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સંદીપે તેમની દીકરી અર્ચના સાથે છેડછાડ કરીને જાતી સૂચક શબ્દો વાપર્યા હતા. એ નોંધનીય છે કે અર્ચના દલિત સમુદાયમાંથી આવે છે. આ મામલે આઈપીસીની કલમ 504, 506 અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.