કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મધ્ય પ્રદેશમાં FIR દાખલ કરવામાં આવી છે. તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને પૂર્વ મંત્રી અરૂણ યાદવ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નેતાઓએ મધ્ય પ્રદેશ સરકાર પર 50 ટકા કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ ભાજપ કાર્યકર્તાઓએ ફરિયાદ દાખલ કરાવી હતી.
અહેવાલો અનુસાર, મધ્ય પ્રદેશ ભાજપ સરકાર પર કમિશન વસૂલવાના આરોપ વિરુદ્ધ ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં પ્રિયંકા ગાંધી, કમલનાથ અને અરુણ યાદવ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ સામે IPCની કલમ 420 અને 469 લગાવવામાં આવી છે. આ અંગે એડિશનલ DCPએ જણાવ્યું હતું કે, “ફરિયાદમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જેનાથી ભાજપના નેતાઓની છબી ખરાબ થઇ રહી હોવાનો આરોપ છે. ફરિયાદમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા સહિતના નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.”
#WATCH | Indore, MP: “Few BJP leaders have given a memo, in that, it is mentioned that some Congress leaders are putting out misinformation on social media platforms and their (BJP) leaders' image being maligned due to this…probe is underway, action will be taken… pic.twitter.com/QM5p0gFMEp
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 12, 2023
ઇન્દોર કમિશનર ઑફ પોલીસન X (ટ્વિટર) અકાઉન્ટ પરથી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, નિમેષ પાઠક નામના એક વ્યક્તિએ ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ મથકે ફરિયાદ કરી હતી કે જ્ઞાનેન્દ્ર અવસ્થી નામના વ્યક્તિએ એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં પેટી કોન્ટ્રાક્ટર પાસે 50 ટકા કમિશન માગવા મામલે તપાસના આદેશ આપવાની વાત કરવામાં આવી હતી. આ ફર્જી પત્રને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ પર આરોપી જ્ઞાનેન્દ્ર અવસ્થી તેમજ ટ્વિટર અકાઉન્ટ @MPArunYadav, @OfficeOfKNath અને @priyankagandhiના હેન્ડલર્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
— Commissioner of Police,Indore (@CP_INDORE) August 12, 2023
પ્રિયંકા વાડ્રાએ પોતાના ટ્વિટમાં એક છાપાંના કટિંગને મૂકીને તેના કેપ્શનમાં લખ્યું હતું કે, “મધ્ય પ્રદેશમાં ઠેકેદારોના સંઘે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ફરિયાદ કરી છે કે પ્રદેશમાં 50 ટકા કમિશન આપ્યા બાદ જ વળતર આપવામાં આવે છે. કર્ણાટકમાં ભ્રષ્ટ BJP સરકાર 40 ટકા કમિશન વસૂલતી હતી. મધ્ય પ્રદેશમાં BJP ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગઈ છે. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનવાળી સરકારને બહાર કરી, હવે મધ્ય પ્રદેશની જનતા 50 ટકા કમિશન વસૂલતી ભાજપ સરકારને સત્તા પરથી હટાવશે.”
પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં કરેલા આક્ષેપને મુખ્યમંત્રી શિવરાજસિંહ અને ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ આ આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો હતો. બીજી તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ વી ડી શર્માએ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી આપી હતી, સાથે જ પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આરોપ લગાવવા માટે સોશિયલ મીડિયા પર નકલી પત્રનો ઉલ્લેખ કર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.