તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાત પ્રવાસે આવ્યાં હતાં. અહીં તેમણે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન, તેમણે સંબોધનમાં કહેલ એક વાક્યને લઈને કોંગ્રેસ નેતા ઉદિત રાજે એવું ટ્વિટ કરી નાંખ્યું હતું કે જેને લઈને ભારે વિરોધ થઇ રહ્યો છે અને રાષ્ટ્રપતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાજપે તેમની માફીની માંગ કરી છે.
સાબરમતી આશ્રમ પહોંચેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે, “ગુજરાતમાં દેશનું 76 ટકા મીઠું પકવવામાં આવે છે. જેથી એવું પણ કહી શકાય કે દેશવાસીઓ ગુજરાતનું નમક ખાય છે.” તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસના નેતાએ વાંધો ઉઠાવ્યો હતો.
ડૉ. ઉદિત રાજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને ન મળે. ચમચાગીરીની પણ હદ હોય છે. તેઓ કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું નમક ખાય છે. પોતે મીઠું ખાઈને જિંદગી જીવે તો ખબર પડશે.”
द्रौपदी मुर्मू जी जैसा राष्ट्रपति किसी देश को न मिले। चमचागिरी की भी हद्द है । कहती हैं 70% लोग गुजरात का नमक खाते हैं । खुद नमक खाकर ज़िंदगी जिएँ तो पता लगेगा।
— Dr. Udit Raj (@Dr_Uditraj) October 5, 2022
રાષ્ટ્રપતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કોંગ્રેસ નેતાના ટ્વિટ બાદ યુઝરોએ તો વાંધો ઉઠાવ્યો જ હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રહારો કર્યા હતા. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કોંગ્રેસ નેતા ઉદિત રાજ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂ માટે વાપરવામાં આવેલ શબ્દ ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે આ પ્રકારના શબ્દો વાપરવામાં આવ્યા હોય. આ પહેલાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આમ જ કર્યું હતું. આ તેમની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે.
ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, દેશનાં પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ માટે અસ્વીકાર્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ સવાલ કર્યો કે શું કોંગ્રેસ આ પ્રકારે આદિવાસી સમાજના અપમાનને સમર્થન કરે છે?
બીજી તરફ, વિવાદ થયા બાદ કોંગ્રેસ નેતા ઉદિત રાજે લૂલો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ પાર્ટીનું નહીં પરંતુ વ્યક્તિગત નિવેદન છે. જોકે, નેતાઓ પહેલાં વિવાદાસ્પદ નિવેદન આપી દે છે અને ત્યારબાદ આ પ્રકારના લૂલા બચાવ કરે છે, એ હવે કોઈ નવી વાત રહી નથી.
આ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ વાપર્યો હતો. જેના કારણે પણ ભારે વિવાદ થયો હતો અને મામલો સંસદ સુધી પણ પહોંચ્યો હતો.